નવી ચૂંટણી, નવી વ્યાખ્યા !


આ દેશમાં ચૂંટણીએ ચૂંટણીએ તેને લગતા દરેક શબ્દની વ્યાખ્યા બદલાતી જાય છે ! જુઓ, લેટેસ્ટ વ્યાખ્યાઓ શું કહે છે…

*** 

ટિકિટ
‘મેવા’ ખાવાનો પરવાનો અપાવી શકે તેવી ‘સેવા’ કરવાનો દેખાડો કરનારાઓની લોટરી !

*** 

ટિકિટ વહેંચણી
પક્ષની અંદરો અંદર કોણ કોનું દુશ્મન છે અને કોણ કોનો ચમચો છે તેની ‘સેન્સ’ લેવાની આંતરિક પ્રક્રિયા !

*** 

આચારસંહિતા
બેફામ રીતે લૂંટાઈ રહેલા ખેતરની વચ્ચે ઊભો રાખવો પડે છે તેવો ચાડિયો !

*** 

મતદાર
લોકશાહીનું એક એવું અનિવાર્ય અંગ જેની દર પાંચ વરસે ફક્ત એક જ વાર જરૂર પડતી હોય છે !

*** 

ઈલેક્ટોરોલ બોન્ડ
રાજકીય પક્ષો માટે કાળા નાણાંને કાયદેસર રીતે ધોળાં કરી આપનારી આધુનિક સિસ્ટમ !

*** 

વચન
જો વિરોધપક્ષ આપે તો ‘રેવડી’ કહેવાય છે અને શાસકપક્ષ આપે તો એને ‘વિકાસનો પ્લાન’ કહેવાય છે !

*** 

વિરોધ પક્ષ
છેવટે તો શાસકપક્ષમાં જઈને મંત્રીપદું મેળવવાનો વાયા-રૂટ !

*** 

રાજકીય વિશ્ર્લેષકો
જે થવાનું છે તે ‘થશે કે કેમ’ અને જે થઈ જશે પછી ‘શા માટે થયું’ તેનું ચોક્કસ એનાલિસિસ કરી આપનારા બુદ્ધિશાળી જેવા દેખાતા લોકો !

*** 

ચૂંટણીના પરિણામો
એક એવો તહેવાર જ્યાં જીતનારા જનતાનો આભાર માનીને જનતાને ભૂલી જાય છે અને હારનારા EVMની ફરિયાદો કરીને જનતાને ભૂલી જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments