નવા વરસે જે લોકો જોશમાં આવીને કોઈ અઘરો સંકલ્પ લઈ બેઠા હશે તે આજકાલ કાં તો પસ્તાઈ રહ્યા હશે અથવા તો ‘ખાડામાં જાય સંકલ્પ !’ એમ કરીને સંકલ્પ તોડવાના મિજાજમાં હશે !
પરંતુ અમારી પાસે એવા અઘરા સંકલ્પો સામે એવા સહેલા સંકલ્પોની ચાવી છે કે બધું સામસામે બેલેન્સ થઈ જશે ! જુઓ.
***
અઘરો સંકલ્પ
હું રોજ સવારે સાડા પાંચ વાગે ઊઠી જઈશ.
સહેલો સંકલ્પ
પુરતી ઊંઘ ના મળે તો શરીર તથા માઈન્ડને કેટલું બધું નુકસાન થાય છે તેના વિડીયો અને લેખો શોધી શોધીને બધાને ફોરવર્ડ કરીશ !
***
અઘરો સંકલ્પ
મારી ફાંદ ઘટાડીશ ! મારી ચરબી ઓછી કરવા ન્યુટ્રિશીયસ ફૂડ અને બેલેન્સ ડાયેટ લઈશ ! મારું વજન તો ચોક્કસ ઘટાડીશ !
સહેલો સંકલ્પ
લેટેસ્ટ આવેલી ‘ડબલ એક્સએલ’ મુવીનું ટ્રેલર મિનિમમ 500 જણાને ફોરવર્ડ કરીશ ! અને ‘હેશટેગ-માય-બોડી-માય-પ્રાઈડ’ની ઝુંબેશમાં જોડાઈ જઈશ !
***
અઘરો સંકલ્પ
મોબાઈલનો ઉપયોગ ઘટાડીશ ! મોબાઈલનો વપરાશ અડધો કરી નાંખીશ !
સહેલો સંકલ્પ
એક ને બદલે બે મોબાઈલ લઈ લઈશ. જેથી બંને મોબાઈલનો વપરાશ અડધો-અડધો થઈ જાય !
***
અઘરો સંકલ્પ
પત્નીને ઘરના કામમાં મદદ કરીશ !
સહેલો સંકલ્પ
ઘરનું કામ કરતી વખતે કીચનમાં રોજ એકાદ કાચનું વાસણ ફોડી નાંખીશ ! દૂધ ઉભરાવી દઈશ ! ડ્રોઈંગરૂમની કારપેટ ઉપર ‘ભૂલથી’ મેલું પાણી ઢોળી મુકીશ ! … જેથી પત્ની જ કહેશે કે ‘તમે તો રહેવા જ દેજો, હોં !’
***
અઘરો સંકલ્પ
ગરીબોને મદદ કરીશ.
સહેલો સંકલ્પ
પોતે જ ગરીબ બની જઈશ ! (જોઉં છું કોણ આવે છે મદદ કરવા ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment