આજકાલ ક્રિકેટનો વર્લ્ડ-કપ ચાલી રહ્યો છે. સૌની નજર ક્રિકેટના બોલ ઉપર જ છે. પરંતુ ગુજરાતમાં આવનારી ચૂંટણીના એંગલથી જોઈએ તો બીજી ટાઈપના બોલ જરા જુદા જ દેખાશે ! જુઓ….
***
વોલીબોલ
આજકાલ જે જુના ખખડી ગયેલા, ઘરડા અને નકામા નેતાઓ છે એમની હાલત વોલીબોલ જેવી જ છે ! દરેક પક્ષની નેતાગિરી એમને બે હાથ જોડીને દૂર ભગાડવાની જ કોશિશમાં છે !
***
ફૂટબોલ
બીજી તરફ, જે બિચારી મામૂલી પ્રજા છે એની હાલત ચૂંટણીઓ પતે પછી ફૂટબોલ જેવી જ થઈ જવાની છે ! બધા નેતાઓ એને લાત મારીને હડધૂત જ કરશે !
***
હોકીનો બોલ
સોશિયલ મિડીયાની અડફેટે ચડી ગયેલા કોઈપણ નેતાઓ કે સેલિબ્રિટીની હાલત હોકીના બોલ જેવી જ થઈ જાય છે ! જેને મન થાય તે ડંડો લઈને આવશે અને મઝા પડે ત્યાં લગી ઠમઠોર્યા જ કરશે !
***
ટેનિસનો બોલ
ટેનિસનો બોલ દેશની તમામ મોટી સમસ્યાઓ જેવો હોય છે. કોઈ એની પોતાની પાસે રાખવા નથી માંગતું ! બધાં જ કહે છે ‘ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ !’
***
બાસ્કેટ બોલ
એ ભ્રષ્ટાચારનાં કાળાં નાણાં જેવો છે. એને ઉછળતો સૌ જુએ છે, છતાં તેને દબાવી દેવાને બદલે સૌ એને પોતપોતાના ગાળિયામાં સરકાવી લેવાની ફિરાકમાં રહે છે !
***
અને ક્રિકેટનો બોલ
એ બિલકુલ લોકશાહી જેવો છે ! એ ભવ્ય છે, લોકપ્રિય છે, એના ખેલાડીઓ કરોડપતિ છે… છતાં આ જુજ ખેલાડીઓનો ખેલ જોવા માટે બિચારી પ્રજા ટેક્સ આપતી રહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment