આ 'અયોડમા...' શું છે ?

જો લોકો મોબાઈલમાં ફની વિડીયો જોતા હશે એમને તો ખબર જ હશે કે એમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકની જગ્યાએ મુખ્યત્વે ત્રણ જાતના અવાજો આવતા હોય છે : 

(1), જેમાં ખાલી નળમાંથી ફક્ત હવા નીકળતી હોય એવા અવાજે કોઈ હસતું હોય છે અને વચ્ચે વચ્ચે ‘એ… કી હોરે… એ, કી હોરે’ એવું બોલતું હોય છે. 
(2), જેમાં કોઈના ગળામાં પાડાના બચ્ચાંની સ્વરપેટી બેસાડી હોય એવા અવાજે તે ‘હેંએંએં…?’ એવું બોલે છે. 
અને (3), શી ખબર કઈ ભાષામાં કોઈ ‘અયોઽમા… અયોઽમા…’ એવું બોલ્યા કરે છે !

હજી સુધી, એટલે કે આ ‘અયોઽમા’ને આશરે વીસ વરસ થવા છતાં, કંઈ કેટલાય લોકોને આ ‘અયોઽમા…’નો અર્થ જ ખબર નથી ! તો આ બાબતે અમે કેટલુંક બિન-ગુગલીયું સંશોધન કરેલ છે, જે જાહેર જનતાને લાભાર્થે અહીં રજુ કરી રહ્યા છીએ.

પ્રાગૈતિહાસિક કાળમાં એટલે કે પથ્થરયુગમાં જે બોલચાલની જે અડધી પડધી ભાષા વિકસી હતી તેનાં ગુફાચિત્રોમાં છૂપાયેલી ગુપ્ત સાંકેતિક લિપીના જાણકારોનું કહેવું છે કે જ્યારે શિકાર કરવા નીકળેલા વાનર-સમાન માનવીએ પોતાનો ભાલો જેને હરણું સમજીને માર્યો હતો તે બિચારું પોતાનું જ પાળેલું બકરું નીકળતાં તેના મોમાંથી આ ઉદગાર સરી પડતા હતા કે ‘અયોઽમા !’

તમે કહેશો કે મન્નુભાઈ, આવું વળી ગુફાના ચિત્રોમાંથી શી રીતે ખબર પડે ? તો મિત્રો, આજનો અમારો લેખ આવાં જ અનેક ગુપ્ત સંશોધનોથી ભરપૂર છે, દાખલા તરીકે પ્રખ્યાત હાસ્યકાર બર્નાડ શૉ એમના બાથરૂમની પાછલી દિવાલ ઉપર લખી ગયા હતા કે કેળાંની છાલ ઉપરથી લપસી પડતા માનવીનું દૃશ્ય જોઈને જે તત્કાલ હાસ્ય પ્રગટ થાય છે તેને બ્રાઝિલની કેળાંની વાડીમાં થપ્પો રમતા કામદારો ‘અયોઽમા !’ના નામે ઓળખતા હતા.

‘મોહન-જો-દારો’ નામની ફિલ્મમાં જેનો ઉલ્લેખ સુધ્ધાં નથી એવી ઐતિહાસિક ઘટના એવી છે કે ત્યાંના રાજાએ જ્યારે રાણી પાસે જઈને મેગી બનાવી આપવાની ફરમાઈશ કરી હતી ત્યારે ગુસ્સે ભરાયેલી રાણી હાથમાં અઢી કિલોના પથ્થરનું વેલણ લઈને દોડી હતી ! તે સમયે રાજાને આખા શહેરની ગલીઓમાં દોડતા જોઈને હસતાં હસતાં સૌ ‘અયોઽમા ! અયોઽમા !’ કરી ઊઠ્યા હતા.

જોકે ઈતિહાસ સાક્ષી છે કે ‘અયોઽમા’ માત્ર હાસ્ય ઉપજાવતી ઘટના વખતે જ નહીં પરંતુ ક્ષોભજનક દારૂણ સ્થિતિમાં પણ બોલાતું હતું. દાખલા તરીકે ભારતના લુચ્ચા ઇતિહાસકારોએ એ આખી ઘટના જ ઉડાડી મારી છે કે જ્યારે સિકંદર અને પોરસનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે સતત દિવસો લગી પડી રહેલા ધોધમાર વરસાદમાં સિકંદરની સેનાના અડધો અડધ સૈનિકોને ડેન્ગ્યુ મેલેરિયા થઈ ગયો હતો ! એટલે જ પોરસ યુદ્ધમાં જીતી ગયો હતો ! 

સિકંદરના લશ્કરને પાછું જતું જોતાં પોરસે પોતાની છાતીમાં મુઠ્ઠીઓ મારીને ભારતીય મચ્છરોને બિરદાવવા માટે ‘ગણ… ગણ… ગણ…’ નામનું રાષ્ટ્રગાન ગાયું  હતું, ત્યારે સિકંદરે પોતાનું કપાળ કુટીને કહ્યું હતું : ‘અયોઽમા ! અયોઽમા !’

બોલો, આ ઘટનાને ઇતિહાસમાં સ્થાન ના આપીને ઇતિહાસકારોએ મચ્છરોનું હળાહળ અપમાન જ કર્યું છે ને ? (બોલો, ‘અયોઽમા !’) 

અરે, જ્યારે કોલંબસ વહાણ લઈને ઇન્ડિયા શોધવા માટે નીકળેલો ત્યારે એની બૈરી મૂછમાં ‘ખી.. ખી.. ખી.. એ કી હોરે’ કરીને હસતી હતી ! પછી જ્યારે કોલંબસે અમેરિકા શોધીને કહ્યું કે ‘આ તો ઇન્ડિયા છે !’ ત્યારે આખી દુનિયા ‘અયોઽમા !’ કરીને અટ્ટહાસ્યો કરતી હતી ! (અને બિચારા રેડ ઇન્ડિયનો ‘હેં?’ કહીને ડઘાઈ ગયેલા.)

એમ તો, પેલો આર્કિમિડીઝ નામનો વૈજ્ઞાનિક બાથરૂમના ટબમાં ઉઘાડો થઈને નહાતો હતો ત્યારે જ એને કોઈ ફિઝિક્સનો નિયમ જડ્યો, અને તે એ જ દશામાં સડકો ઉપર ‘યુરેકા… યુરેકા…’ કરતો દોડવા લાગેલો ત્યારે ગલીમાં ઊભેલા લોકો હસી હસીને બોલી ઊઠેલા : ‘અયોઽમા!! અયોઽમા!!’ 

બોલો, આ વાત પણ ઇતિહાસકારો ગુપચાવી ગયા છે.

બાકી તમે આજે પણ જુઓ તો રાહુલ ગાંધીની યાત્રાને અમુક લોકો ‘ખીખી.. એ કી હોરે’ કરીને જુએ છે અને જ્યારે ગોવાના સામટા 11 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જાય ત્યારે આકો દેશ શું બોલે છે ? ‘અયોઽમા !! અયોઽમા !!’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments