ભલે આપણે આપણી ગુજરાતી ભાષામાં ઢગલાબંધ અંગ્રેજી શબ્દો અપનાવી લીધા છે… જેમ કે, ટેબલ, મોબાઈલ, ટિકિટ, ટ્રેન, કાર, પંચર, કલર, ટીવી વગેરે...
પરંતુ કેટલાક અંગ્રેજી શબ્દો એવા છે જે ગુજરાતીમાં આવ્યા પછી ‘દિલથી’ ગુજરાતી બની ગયા છે ! જુઓ…
***
ફ્રી (Free)
આ ‘દોઢ’ અક્ષરનો શબ્દ ગુજરાતમાં આવ્યો એ પહેલાં આપણે ત્રણ અક્ષરનો શબ્દ વાપરતા હતા… મ-ફ-ત !
પણ જ્યારથી ‘બે ઉપર ત્રીજું ફ્રી’ જેવી સ્કીમો આવવા લાગી ત્યારથી આ ‘દોઢો’ શબ્દ આપણો વ્હાલો બની ગયો છે.
***
બીપી (B.P.)
તમે નહિ માનો, પણ સિત્તેરના દાયકામાં BP એટલે ‘બ્લુ-પ્રિન્ટ’, એક અશ્લીલ શબ્દ ગણાતો હતો ! પરંતુ જ્યારથી દર પાંચ ગુજરાતીએ બે ગુજરાતીને ‘પ્રેશર’ની બિમારી થવા માંડી છે ત્યારથી BP એક ટોટલી ગુજરાતી શબ્દ બની ગયો છે.
***
એટેક (ATTACK)
આર્મીવાળા માટે, આતંકવાદીઓ માટે કે બસ્સો પાંચસો વરસ પહેલાં ખુદ અંગ્રેજો જે શબ્દનો અર્થ ‘હૂમલો’ એવો કરતા હતા, આજે એ જ શબ્દ ગુજરાતીઓ માટે સાવ ભાજીમૂળા જેટલો કોમન થઈ ગયો છે ! તમે હાલતાં ને ચાલતાં સાંભળતા હશો ‘ફલાણાભાઈને તો બબ્બે એટેક આવી ગયા છે, છતાં હજી ઓક્કે છે !’
***
પાસ (PASS)
પાસ ગરબાના હોય, નાટકના હોય કે ક્રિકેટમેચના હોય… જેની પાસે પાસ હોય એ પોતે VIP ગણાય છે ! જોવાની વાત એ છે કે ‘પાસ’નો વિરોધી શબ્દ ‘નાપાસ’ તો ગુજરાતીઓએ જ શોધી કાઢ્યો ને ?
- અને બોસ, હજી વિચારો, ATTACK પછી શું આવે ? ‘બાય-પાસ’ !
***
શુગર (SUGAR)
બિચારા અંગ્રેજો અને અમેરિકનો હજી પોતાની પત્ની કે પ્રેમિકાને ‘શ્યુગર’ કહે છે ! જ્યારે આપણે ડાયાબિટીસ જેવી ખતરનાક બિમારીનું નામ જ ‘શુગર’ પાડી દીધું છે ! ‘મને તો શુગર આયું…’ એવું કહેવામાં આપણે ગર્વ અનુભવીએ છીએ !
- અને હા, શુગર આવે પછી જેની જરૂર પડે એ SUGAR-FREEમાં પણ ‘ફ્રી’ તો છે જ ! જોયું ? હાહાહા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment