‘ટાઈટેનિક’ જે વરસમાં આવી એ જ વરસે એટલે કે 1997માં એ જ વારતા ઉપરથી જો હિન્દીમાં ફિલ્મ બની હોત તો એમાં કેવા કેવા તાયફા જોવા મળ્યા હોત…
શરૂઆતમાં શાહરૂખ ખાનની એન્ટ્રી મુંબઈના એક ટપોરી તરીકે થાય ! એ પત્તાનો અઠંગ ખેલાડી છે એટલે ‘દૂગ્ગી પે તીડી, ચૌકે પે પંજા… અપૂન કા લાઈફ, ચિકના ચંગા’ એવું ગાયન ગાતો ગાતો એ આખા મુંબઈમાં ઉછળશે, એની આજુબાજુ ટપોરીઓ ઉછળશે, ચાલીના ઉપલા માળેથી, રાજાબાઈ ટાવર ઉપરથી, તાજમહાલ હોટલ ઉપરથી અને બ્રેબોર્ન સ્ટેડિયમના છાપરેથી પત્તાં ઊડી ઊડીને પડતાં દેખાતાં હશે… પણ હરામ બરાબર એને એકપણ વાર રમી કે તીન-પત્તીની બાજી સરખી રીતે રમતાં દેખાડી હોયતો !
ગાયન પતવામાં હોય ત્યાં એ કોઈ સાથે રમતાં ‘ટાઈટ-જહાજ’ નામની સ્ટીમરની ટિકીટ જીતી જાય છે. આ ટિકીટ ફક્ત મુંબઈથી મોમ્બાસા સુધીની જ છે છતાં શાહરૂખ આખા પિક્ચરમાં બાવીસ જોડી કપડાં અને બત્રીસ જાતનાં જૂતાં પહેરવાના પૈસા ક્યાંથી લાવે છે એ નહિ બતાડે !
જહાજ ઊપડે એટલે સસ્પેન્સનું હલાડું ઘાલવા માટે એમાં સ્મગલરો અને અંડરવર્લ્ડના ભાઈલોગની આખી ગેંગ અંદર ઘૂસતી બતાડવી જ પડે ? આ લોકો સ્ટીમરમાં ‘ટ્રેનના ડબ્બા’ ચડાવતા હોય છે ! (અલ્યા ભઈ, જો ‘ટાઈટેનિક’માં ડઝનબંધ કારો લઈ જતા બતાડતા હોય તો આમાં ટ્રેનના ડબ્બા ના બતાડી શકાય ?) હકીકતમાં આ બધા ડબ્બામાં ઇન્ડિયાથી ટનબંધના હિસાબે ‘વિમલ’ ‘રજનીગંધા’ ‘માનિકચંદ’ વગેરે પાન-મસાલાનાં પાઉચ લઈ જઈ રહ્યા છે !
આ તમામ પાઉચમાં એવું ઝેરી કેમિકલ છે કે ખાનારાને લત લાગી જાય અને પછી મહિના બે મહિનામાં જ એને કેન્સર ટાઈપની બિમારી લાગુ પડી જાય ! વિલનનો પ્લાન છે કે આખું મોમ્બાસા આ રીતે કબજે કરી લેવું !
આ વિલન (અમરીશપુરી)ની દિકરી કાજોલ છે. એની સગાઈ શક્તિકપૂર જોડે થયેલી છે, જે હલકટ તો છે જ, ઉપરથી ચોવીસે કલાક પાન-મસાલા ખાઈને થૂંકતો ફરે છે ! એનાથી કંટાળીને એક રાત્રે કાજોલ જહાજના તૂતક ઉપરથી દરિયામાં કૂદીને આપઘાત કરવાનું વિચારતી હોય છે ત્યાં જ પાછળથી આવીને શાહરુખ ‘જિંદગી કિતની ખુબસુરત હૈ… મૌતને તો મેકપ ભી નહીં કિયા…’ એ ટાઈપનું ‘પ્રેરણાત્મક’ ગાયન ગાવા માંડે છે.
એનું ગાયન સાંભળીને અડધી રાતે સ્ટીમરની સફાઈ કર્મચારી બહેનો હાથમાં ગુલાબી ડંડાવાળા મોપ (પોતાં) અને ફ્રોક ઉપર ફૂલ-ફૂલની ડિઝાઈનવાળાં એપ્રોન પહેરીને આવી પહોંચે છે અને શાહરૂખની જોડે જોડે ગાવા લાગે છે!
આટલું મોટું ઝુંડ જોઈને કાજોલ આત્મહત્યાનો વિચાર પડો મુકે છે, અને શાહરૂખ જોડે ફ્રેન્ડશીપ કરી લે છે. શાહરૂખ એને કહે છે કે "આ સ્ટીમરમાં તને કંટાળો નથી આવતો ? ચલ, હું તને ફરવા લઈ જઉં !" એમ કરીને તે સ્ટીમરમાંથી એક મોટરબોટ દરિયામાં ઉતારીને તેને દૂબઈના એક ડિસ્કોમાં લઈ જાય છે ! (તમે કહેશો કે યાર, આમાં ડિસ્કો ક્યાંથી આવ્યું ? તો ભઈ, આ હિન્દીફિલ્મ છે ! પબ્લિકને ચેઇન્જ આપવો પડે, સમજ્યા?)
દૂબઈના ડિસ્કોમાં ડાન્સનું ગાયન પતે કે તરત કાજોલને બે ટપોરીઓ આંખ મારીને છેડતી કરે છે. હકીકતમાં આ બે જણા શાહરૂખના જ દોસ્તો છે ! શાહરૂખ એમને બહુ મારે છે ! ઢીશૂમ ઢીશૂમ પછી કાજોલ એના પ્રેમમાં પડી જાય છે.
પેલી બાજુ શક્તિ કપૂર કાજોલને શોધવા માટે હેલિકોપ્ટર લઈને (હા ભઈ હા, હેલિકોપ્ટર ! ટાઈટેનિકમાં આખેઆખી ટ્રકો હોયતો અહીં હેલિકોપ્ટર ના હોય?) દૂબઈ આવી પહોંચે છે. શાહરૂખના દોસ્તો શક્તિને ખોટો રસ્તો બતાડીને ફસાવી મારે છે અને શાહરૂખ પેલું હેલિકોપ્ટર ઉડાડીને કાજોલ સાથે પાછો જહાજ ઉપર પહોંચી જાય છે. (શાહરૂખ હેલિકોપ્ટર ઉડાડતાં ક્યારે શીખ્યો ? એવું પૂછાતું હશે ?)
ખેર, ગલ્ફની ખાડીમાં જહાજને કશાક સાથે અથડાવવાનું તો નક્કી જ હતું એટલે અથડાય છે ! અને બધા વારાફરતી ડૂબવા માંડે છે ! વિલનને એના ઝેરીલા પાન-મસાલાના સ્ટોકની ચિંતા છે પણ શાહરૂખને કાજોલની ચિંતા છે... શાહરૂખ અમરીશ પુરી પાસે જઈને કાજોલનો હાથ માગે છે.
અમરીશપુરી કહે છે ‘જો મારો સ્મગલિંગનો માલ તું સલામત રીતે બહાર કઢાવી આપે તો કાજોલ તારી ! જા જી લે અપની જિંદગી…’
હવે શાહરૂખ શું કરશે ! દેખિયે ઇન્ટરવલ કે બાદ કી કહાની અગલે સોમવાર કો…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
🤣shu ghumavi che varta ne steamer ma thi dubai n helicopter 😆 magaj chakrai gayu ho
ReplyDeleteHa...ha..
ReplyDelete