'વંદે ભારત' અને ભેંસો !

મોદી સાહેબે હજી ‘વંદે ભારત’ ટ્રેન ચાલુ કરાવ્યાને થોડા જ દિવસ થયા ત્યાં એને ભેંસો ભટકાણી !
આખી વાતમાં ઘણી ગમ્મતો ફૂટી નીકળી છે…

*** 

સ્વર્ગમાં ગયેલી એક ભેંસનું કહેવું એમ છે કે ‘સાહેબે લીલી ઝંડી બતાડી ત્યારે અમે એમ સમજેલા કે હવે રેલ્વેના પાટા ઉપર ફરવા જવાની છૂટ છે !’

*** 

બીજી ભેંસે છણકો કરતાં કીધેલું કે ‘કેમ વળી ? સાહેબ માત્ર ચિત્તાઓને જ છુટ્ટા મુકીને વાહ વાહ ઉઘરાવે ? અમને પણ છૂટી મુકો ને ? ખબર પડે !’

*** 

ટ્રેનના ડ્રાયવરે તો બહુ જોરથી હોર્ન વગાડેલું પણ ભેંસો એમ સમજી કે આ તો આપણાં જ હોર્ન (શિંગડાં) વાગી રહ્યાં છે !

*** 

વંદે ભારતની આગળની બોડીને નુકસાન થયું છે, એ જોતાં ત્યાંની રેલ્વે કોલોનીમાં નવી કહેવત ચાલી છે :
‘ભેંસનાં શિંગડા ‘વંદે’ને ભારી !’

*** 

ભેંસો એ રસ્તે ગઈ જ કેમ ?
તો એક અફવા એવી છે કે રેલ્વેના પાટાની પેલી બાજુ કોઈ રાજકીય નેતાએ એવી જાહેરાત કરેલી કે ‘અમે ભેંસોના ગળામાં લટકાડવાની ઘંટડીઓ ફ્રી આપીશું !’
- ભેંસો ઘંટડીની લાલચમાં ભરાઈ પડી. બોલો.

*** 

જોકે નિતિન પટેલ એવા ભ્રમમાં છે કે આ નવી ઘટનાને કારણે લોકો એમની પેલી ‘જુની’ ઘટનાને ભૂલી જશે !

*** 

આપણો વિકાસ જુઓ ! આખા વર્લ્ડમાં વિમાનોને ‘બર્ડ-હિટ’ થાય છે. પણ ઇન્ડિયામાં તો ટ્રેનોને તોતિંગ ‘બફેલો-હિટ’ થાય છે !

*** 

અને, ભેંસોની નવી માગણી : માણસો માટે ફ્લાય-ઓવર બનાવો છો તો ભેંસો માટે કેમ નહીં ? અમે વોટ નથી આપતા એટલે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments