આપણે નાના હતા ત્યારે... !

જરા યાદ કરો, આપણે સાવ નાના કીકલા હતા ત્યારે આપણી મમ્મી, પપ્પા અને બીજા વડીલો આપણને કેવી કેવી સ્ટુપિડ વાતો કરીને ઉલ્લુ બનાવતા હતા ?

- અને તે વખતે આપણે મનમાં શું વિચારતા હતા ?

*** 

માસી કહેતી હતી : 
‘જો ! જો ! કીડી મરી ગઈ !’
(આપણે મનમાં : પડી હું ગયો… છોલાયું મને… ચચરી રહ્યું છે મને… અને તમે પેલી નાનકડી કીડીનું રડો છો ? કંઈક તો લોજિકની વાત કરો ?)

*** 

મમ્મી કહેતી હતી :
‘સૂઈ જા ! નહિતર બાવો આવશે !’
(મમ્મી, સ્હેજ તો અક્કલવાળી વાત કરો ? અત્યારે રાતના દસ વાગે કયો બાવો નવરો છે, તે ઘરે ભીખ માગવા આવશે ?)

*** 

પપ્પા કહેતા હતા :
‘બેટા, આ રમકડું તો ગંદુ છે ! આપણે બીજું સરસ લઈશું હોં !’
(પપ્પા તમે પણ મને મુરખ સમજો છો ? હમણાં આ રમકડાનો ભાવ નહોતો પૂછ્યો ત્યાં સુધી તો સારું હતું ! જેવો દુકાનદારે ભાવ કીધો કે તરત એ ગંદુ શી રીતે થઈ ગયું ?)

*** 

મમ્મી કહેતી હતી :
‘જલ્દી જલ્દી ખાઈ લે, નહિતર પેલી બેબી આવીને બધું ખાઈ જશે !’
(એ બેબી કંઈ ડફોળ છે તે આવું સ્વાદ વગરનું, ફીક્કુ અને ઉબકા આવે એવું ખાવાનું ખાવા માટે આવશે ?)

*** 

કાકા કહેતા હતા :
‘તું રડવાનું બંધ કરીશ તો ચોકલેટ મળશે !’
(બોલ્યા મોટા… જ્યારે માગીએ છીએ ત્યારે આપતા નથી અને હવે ખોટાં ખોટાં પ્રોમિસ આપો છો ! મમ્મીએ ચોકલેટ આપવાની ના પાડી એટલે તો હું રડું છું !)

*** 

દાદા કહેતા હતા :
‘એ… જો ! પેલો કાગડો લઈ ગયો !’
(ખબર છે…! પીઠ પાછળ સંતાડ્યું છે ! અહીં કાળો કાગડો તો શું, ઝીણું મચ્છર પણ ક્યાંય દેખાતું નથી ! બધાને મુરખ સમજો છો ? )

***

- મન્નુ શેખચલ્લી

Comments