હોલીવૂડે અત્યાર સુધીમાં બે ડઝનથી વધારે એવી ‘એલિયન’ ફિલ્મો બનાવી નાંખી છે જેમાં આ બ્રહ્માંડમાં જોજનો દૂર અવકાશમાં રહેતા વિચિત્ર પરગ્રહવાસીઓ આવીને પૃથ્વી ઉપર હૂમલા કરે છે ! જાણે અહીં શું ય મોટા લાડવા દાટ્યા હોય !
અત્યાર સુધીની એકેય ફિલમમાં કોઈ ડાહ્યા પૃથ્વીવાસીઓએ એ વિચિત્ર આકારના એલિયન્સને એટલું સમજાવવાની કોશિશ કરી નથી કે ‘ભૈશાબ, અહીં અમને અમારું જ પુરું કરતાં આંટા આવી જાય છે ત્યાં તમે અહીંથી શું લઈ જવાના ?’
જો ઇન્ડિયામાં આવી એકાદ એલિયન મુવી બની હોત તો એમાં જરૂર કોઈ સ્વામી-બાબાજી એલિયનોને (ગાયન ગાઈને) સમજાવતા હોત કે, ‘બેટા ક્યા લેકર આયે થે, ક્યા લેકર જાઓગે ? ખાલી હાથ આના હૈ… ખાલી હાથ જાના હૈ…’
ચાલો, ઇન્ડિયન ફિલ્મોની વાત છોડો, પણ હોલીવૂડની આ એલિયન ફિલ્મોમાં પણ આઠ જાતના ઝોલ હોય છે ! જુઓ…
ઝોલ નંબર વન :
અમે અગાઉ પણ લખી ગયેલા કે આ ડફોળ એલિયનોને પૃથ્વી ઉપર ફક્ત અમેરિકા જ દેખાય છે ? એ ડફોળો અહીં ઇથોપિયા કે વેનેઝુએલા જેવા કંગાળ દેશમાં કેમ ઘૂસ નથી મારતા ? વગર લડાઈએ આખેઆખા દેશ કબ્જામાં આવી જાય !
ઝોલ નંબર બે :
એ જ રીતે ડફોળ એલિયનોને અમેરિકાનાં વ્હાઈટ હાઉસ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેવી ઈમારતો જ તોડી નાંખવાના ધખારા કેમ ઉપડે છે ? એકાદ વગર અમારા સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ તોડવાની હિંમત તો કરી જુઓ ? બોસ, આખેઆખું સોલિડ લોખંડનું છે ! તૂટશે જ નહીં ! તમારા ગાભા નીકળી જશે !
ઝોલ નંબર ત્રણ :
આ એલિયનોને કંઈ દાઢી-મૂછ જેવું કશું ઉગતું જ નથી ? આખેઆખી ‘ટકલુ’ સેના કેમ હાલી આવે છે ? માથે વાળ ના ઉગતા હોય તો અમારા ડાબર-આમલા હેર-ઓઇલ અને બ્રાહ્મી-આમલા-ભૃંગરાજ તેલ તો ટ્રાય કરી જુઓ ? (તમારા ગ્રહ ઉપર એક્સ્પોર્ટનું કરાવવું હોય તો પણ અમારા ગુજરાતી ભાઈઓનો કોન્ટેક્ટ કરી લેવો.)
ઝોલ નંબર ચાર :
તમારા લોકોમાં કંઈ કપડાં પહેરવાનો રિવાજ જ નથી ? (મોઢાની ચામડી અને બોડીની ચામડીનો કલર સેઇમ જ હોય છે એટલે પૂછ્યું.) એક તો આ રીતે સાવ ઉઘાડાં શરીરે હાલ્યા આવો છો એમાં ‘ભઈ’ કોણ ને ‘બઈ’ કોણ એ પણ ખબર પડતી નથી ! બીજું, આ તો સારું છે કે હજી સેન્સર બોર્ડનું ધ્યાન નથી પડ્યું, બાકી આખેઆખી ફિલ્મ ઉપર કાતર ફરી વળે !
ઝોલ નંબર પાંચ :
આમ તો ચોથા નંબરની જ વાત આગળ ચાલે છે, કે જો તમારામાંથી અમુક એલિયનો કપડાં પહેરતાં હોય તો પણ એમનામાં ફેશન-બેશન જેવી કોઈ અક્કલ જ નથી ? સાવ ગંદી ગટરમાં ઝબોળીને કાઢ્યાં હોય એવાં કાળાં-રાખોડી કપડાં હોય અથવા તો તમારા ગ્રહ ઉપર બારેમાસ ડિટર્જન્ટ પાવડરોની જ ખેતી થતી હોય એમ ધોળાં-ધબ કપડાં પહેરીને હાલ્યાં આવો છો !
અને તમારામાં ચણિયા-ચોળી, ધોતિયાં-કેડિયાં, કુરતા-પજામા-શેરવાની એવું કશું હોતું જ નથી ? કમ સે કમ અમારા સ્પાઈડરમેનો અને સુપરમેનોને જોઈને પેન્ટની ઉપર મિસ-મેચિંગ કલરની ચડ્ડીઓ પહેરવાનું તો શીખો ?
ઝોલ નંબર છ :
એ જ રીતે ભૈશાબ, તમારે ત્યાં બ્યુટિ-પાર્લરોનું ય કંઈ કરાવો ! એક કામ કરો, સૌથી પહેલાં તો તમારા ગ્રહ ઉપર અરીસાની એકાદ ફેકટરી નંખાવો અને પછી તમારાં પોતાનાં ડાચાં એ અરીસામાં જુઓ ! જરાય શરમ આવે છે તમને ?
અહીં અમારી આવડીક અમથી પૃથ્વી છે છતાંય અમારી ચામડીમાં કેટકેટલા કલર છે ! ધોળી, કાળી, બ્રાઉન અને ફિક્કી – આટલી તો મેઇન કેટેગરી છે ! એમાં ય દરેકમાં પચાસ-પચાસ કલરનાં શેડ-કાર્ડ છે. બોલો ! યાર, કંઈક તો શીખો…
ઝોલ નંબર સાત :
તમને કંઈ ગાયન-બાયન આવડે છે ખરું ? અમારા ઇન્ડિયામાં જો તમારી ફિલ્મો બનાવતા હોત તો તમને બોલીવૂડ સ્ટાઈલમાં ડાન્સ કરતાં પણ શીખવાડી દીધું હોત ! તમારી ફિલ્મો આ હોલીવૂડવાળા બનાવે છે, પણ એ લોકોએ તમારી જોડે લૂચ્ચાઈ કરી છે ! પોતે તો મ્યુઝિકલ્સ બનાવે છે પણ તમારી પાસે એકેય ગાયન ગવડાવ્યું ખરું ? યે સરાસર ના-ઇન્સાફી હૈ, મિ લોર્ડ !
ઝોલ નંબર આઠ :
જો તમે નાસા અને પેન્ટાગોનનાં કોમ્પ્યુટરો હેક કરી શકો છો તો ડાયરેક્ટ વર્લ્ડ બેન્કનાં કોમ્પ્યુટરો જ હેક કરો ને !
(આ જોરદાર આઈડિયા આપવા બદલ મને અડધો ટકો કમિશન આપજો હોં ! હમણાં જ મારો ખાતા નંબર વોટ્સએપ કરી દઉં છું !)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Very very creative and humorous!!!
ReplyDeleteThank you !!
ReplyDelete