હોલિવૂડનાં ડાયનોસોરોમાં અક્કલ કેટલી ?

પહેલો સવાલ તો એ થાય કે આ ડાયનોસોર ઇતિહાસના વિષયમાં ગણાય કે ભૂગોળમાં ? 

કેમકે તમે આજકાલનાં છોકરાંને પૂછો કે આ બધાં ડાયનાસોર ક્યાં મળી આવે છે ? તો કહેશે હોલીવૂડની ફિલ્મોમાં ! અલ્યા ભઈ, આપણા પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પાસે જે પેલાં સક્કરટેટી જેવડી સાઈઝનાં ડાયનાસોરનાં ઇંડાં મળી આવ્યાં છે એની કોઈ વેલ્યુ જ નહીં ?

જવાબ છે, પંચમહાલનાં ઇંડાંની વેલ્યુ તો ક્યાંથી હોય ? કેમકે હાલોલના પેલા સ્ટુડિયોમાં કદી ડાયનાસોરની એકેય ફિલમ બની ખરી ? (ત્યાં તો જેસલ-તોરલના જમાનામાં ગુજરાતી ફિલ્મો જ બનતી રહી.)

આજે ઇંગ્લીશ મિડિયમમાં ભણેલાં છોકરાંને પૂછો કે અલ્યા, આ ડાયનોસોરોનો જન્મ ક્યાં થયેલો ? તો કહેશે, જુરાસિક પાર્કમાં ! આ જુરાસિક પાર્ક ક્યાં આવ્યો ? તો કહેશે ‘એ તો અમેરિકા બાજુ એક મોટો દરિયો છે ને એની વચમાં એક સિક્રેટ ટાપુ છે, ત્યાં જવું પડે !’ અને ત્યાં જવાય શી રીતે ? તો કહેશે ‘એ તો ખાસ ટાઈપના VIP લોકોને જ પરમિશન છે. એ લોકો પ્રાયવેટ હેલિકોપ્ટરમાં જાય છે.’ બોલો.

ટુંકમાં, કહેવાનો મતલબ એટલો જ કે જ્યાં ડાયનોસોરો પેદા થાય છે એ જુરાસિક પાર્ક ભૂગોળની કોઈ ચોપડીના નકશામાં છે જ નહીં ! અને આપણે ત્યાં પંચમહાલની ભૂગોળમાં પેલાં સક્કરટેટી જેવડાં ઇંડાં મળી આવ્યાં છે એનું વર્લ્ડની ભૂગોળમાં કોઈ સ્થાન જ નથી ! આનાથી એક સિમ્પલ વાત સાબિત થાય છે કે જે દેશ ઇતિહાસ, ભૂગોળ, સાયન્સ કે ગપગોળા જેવી બાયો-પિક ફિલ્મો નથી બનાવતો એ દેશોની ભવિષ્યમાં કોઈ વેલ્યુ જ નહીં રહે !

હોલીવૂડની વાત કરીએ તો આ ડાયનોસોરોની રિસર્ચ કરવા માટે ભલે એમના વૈજ્ઞાનિકો છેક આફ્રિકા અને સાઉથ અમેરિકાનાં જંગલોમાં ખોદકામ કરતાં દેખાશે પણ પેલા જુરાસિક પાર્કમાંથી ઉડી ઉડીને ભાગી છૂટેલાં ડાયનોસોરો અમેરિકાનાં મોટાં મોટાં શહેરોમાં જ આવશે ! 

કેમ ભઈ ? એ ડાયનોસોરો દક્ષિણ અમેરિકામાં એમેઝોનનાં જંગલોમાં કેમ નથી જતાં ? અરે, અમેરિકામાં જ જવું હોય તો ત્યાં કેલિફોર્નિયાનાં ઘટાટોપ જંગલો પડ્યાં છે, એમાંય નહીં જાય ! અમેરિકાની ઉત્તરે કેનેડા તો અડધો અડધ એંશી એંશી ફૂટનાં ઊંચા ઊંચા વૃક્ષોથી ભરેલું છે. ત્યાં પણ આ ડફોળ ડાયનોસોરો ના જાય ! 
તો સવાલ એ થાય કે અલ્યાઓ, તમે ન્યુયોર્ક અને લોસ-એન્જેલેસ જેવા શહેરોમાં શું લેવા દોડી આવો છો ! અહીંના મેકડોનાલ્ડ્સમાં બર્ગર ખાવા માટે ?

પણ એવા બધા સવાલો નહીં કરવાના. જેવી રીતે હિન્દી ફિલ્મોને પણ દિમાગ ખિસ્સામાં રાખીને જોવાની હોય છે એ જ રીતે હોલીવૂડની અમુક ફિલ્મો પણ મંદબુદ્ધિનાં બાળકો માટે જ બનાવવામાં આવે છે. એમાંય, તમે માર્ક કરજો કે પેલું ગોડઝિલા નામનું ડાયનોસોર, જે ટ્રિપલ XL સાઈઝનું છે એ છેક ઊંડા દરિયામાંથી ન્યુયોર્ક જેવા ખીચોખીચ વસ્તી ધરાવતા શહેરમાં આવે છે. શેના માટે ? તો કહે, અહીં ઇંડા મુકવા આવ્યું છે ! લો બોલો. સાલું, આટલું અક્કલ વગરનું પ્રાણી ? 

જરા કલ્પના કરો, ગિરના જંગલમાં વસનારી સિંહણને બચ્ચાં જણવાં હોય તો એ કંઈ રાજકોટમાં થોડી જાય ? પણ પછી ઇતિહાસની ચોપડીમાં ભણેલી વાત યાદ આવે કે ભઈ, આ ડાયનોસોરોનાં દિમાગ શરીરના પ્રપોર્શનમાં વિકાસ જ નહોતા પામ્યાં એટલે જ એમનો નાશ થઈ ગયો !

આ તો સારું થયું કે હોલીવૂડે પેલા જુરાસિક પાર્ક નામના ટાપુ ઉપર ડાયનાસોરની ખેતી ચાલુ કરી એટલે આપણને આ બધું જોવા મળે છે ! છતાં એમ થાય કે યાર, આ ડાયનોસોરોનાં નામો કેમ આવાં પાડ્યાં છે ? ‘બ્રાકિઓસોરસ’ અને ‘ટાયરાનોસોરસ’ જેવાં નામો સાંભળીને સાલું આપણને તો ભૂમિતિનો ‘પાયથાગોરસ’ જ યાદ આવે ! એ તો ઠીક, એમનાં ચિત્રવિચિત્ર ડાચાં અને ભીંગડાંવાળાં શરીર જોઈને તો એમ જ થાય કે એમનાં નામો ‘કારેલાંનોરસ’ કે ‘કંકોડાંનોરસ’ જેવાં જ રાખવાં જોઈએ !

છતાં સારું છે કે હોલીવૂડે જ ડાયનાસોરોની ફિલ્મો બનાવી, બાકી જો હાલોલના સ્ટુડિયોમાં ડાયનોસોરની ફિલ્મો બની હોત તો ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા આપણાં દેશી ડાયનોસોરો જોડે ગરબા રમતાં જોવા મળ્યાં હોત !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments