આમ તો આ વરસે લાભપાંચમ છે પણ પંચાંગના કહેવા મુજબ ‘ક્ષયતિથિ’ છે એટલે વેપારીઓ આજે મહુરત કરી શકશે નહીં. પાંચમના બદલે ધંધાકીય મહુરતો સાતમના દિવસે થશે.
આ તો બધું સમજ્યા, પણ આપણા માટે તો આ લાભપાંચમ એવી છે કે ‘લાભ’ છે, છે… છતાં નથી ! જુઓ શી રીતે…
***
પરાઠા ઉપર જીએસટી છે
પણ રોટલી ઉપર નથી !
આમ જુઓ તો લાભપાંચમ
પણ આમ જુઓ તો નથી !
***
ડોલર ભલે ‘મજબૂત’ છે
પણ રૂપિયો ‘નબળો’ નથી !
સમજ્યા ?
આમ જુઓ તો લાભપાંચમ
પણ આમ જુઓ તો નથી !
***
ફિક્સ પગારદાર હવે ‘કાયમી’
પણ બેરોજગારી ગઈ નથી !
આમ જુઓ તો લાભપાંચમ
પણ આમ જુઓ તો નથી !
***
પેમેન્ટ બધું ડિજિટલ થયું
પણ 100ના છૂટ્ટા?... નથી !
આમ જુઓ તો લાભપાંચમ
પણ આમ જુઓ તો નથી !
***
કરોડોનાં વાહન વેચાયાં…
(દશેરાના દિવસે ભાઈ…)
કરોડોના વાહન વેચાયાં, છતાં
અટલ-બ્રિજ પર ‘ચાલવું’ ફ્રી નથી !
આમ જુઓ તો લાભપાંચમ
પણ આમ જુઓ તો નથી !
***
અરે, દયાભાભી આવશે નવાં
પણ જેઠાલાલને નવી બબિતા નથી !
આમ જુઓ તો લાભપાંચમ
ને આમ જુઓ તો નથી !
***
ઓનલાઈન પગે પડી લઈએ
પણ બોણી ઓનલાઈન નથી !
આમ જુઓ તો લાભપાંચમ
ને આમ જુઓ તો નથી !
***
ચૂંટણી આવી, રેવડીની લ્હાણી
છતાં કશું ટેક્સ-ફ્રી નથી !
આમ જુઓ તો લાભપાંચમ
ને આમ જુઓ તો નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment