કાલે ગાંધી જયંતિ ગઈ. યંગ જનરેશનને ગાંધીજી બહુ ‘ઓલ્ડ-ફેશન્ડ’ લાગે છે. પણ સાવ એવું નથી ! ગાંધીજી પણ ‘હેપ’ અને ‘હેપનિંગ’ હતા ! જુઓ કઈ રીતે…
***
ફેસબુક :
તમારા અંકલો અને આન્ટીઓ તમને સતત કહ્યા કરે છે કે ‘શું આખો દહાડો ફેસબુકમાં અપ-ડેટ માર્યા કરે છે ?’
તો હેલો… ગાંધીજીએ તો એમની અડધી જીંદગી અપ-ડેટો જ મારી છે ! એમની તમામ અપ-ડેટની કંપાઈલેશનની આખી બુક છે ! એનું નામ છે : ‘મારા સત્યના પ્રયોગો’…!
***
ચેટ :
તમે આખો દહાડો તમારા ફ્રેન્ડ્ઝ સાથે વોટ્સએપમાં ચેટ કર્યા કરો છો ને ? તો ગાંધીજી પણ ચેટિંગમાં કંઈ કમ નહોતા ! હા, એમના ટાઈમમાં મેઈલ સ્નેઇલની ઝડપે (ગોકળગાયની ગતિએ) જતી હતી, છતાં ડિયર ગાંધી રોજની ટુ હન્ડ્રેડ મેઈલનો જવાબ પોસ્ટકાર્ડ્ઝથી આપતા હતા ! ઓલ ઓવર ઇન્ડિયા…!
***
ટ્વિટર :
તમે પૂછશો કે એ જમાનામાં ટ્વિટર ક્યાં હતું ? તો ડિયર, આપણા જિનિયસ ગાંધીજી ‘કુલ-ડૂડ’ની જેમ દુનિયાભરનાં તમામ ટોપિક ઉપર ‘ટ્વિટ’ કર્યા જ કરતા હતા ! એ જમાનામાં એને ‘ક્વોટેબલ ક્વોટ્સ’ અથવા ‘સુવાક્યો’ કહેતા હતા.
***
ફેશન :
ફેશનમાં તો ગાંધીજી મોસ્ટ ફેમસ ટ્રેન્ડ સેટર હતા ! એમણે ખાદી નામના ફેબ્રિકનું ટોટલ રિ-ઈનોવેશન કરેલું ! ‘ગાંધીટોપી’ નામની એમની ટોપીના એમણે કોપીરાઈટ નહોતા લીધા, બાકી આખા ઇન્ડિયામાં ‘ગાંધીટોપી’નું જબરદસ્ત ફેશન-વેવ ચાલેલું !
***
સ્ટાર્ટ-અપ આઇડિયા :
આજે તમે આખા દેશમાં હજારોની સંખ્યામાં ‘ખાદી-હાટ’ નામની શોપ્સની જે ફ્રેન્ચાઈઝી જુઓ છો ને ? એ ‘સ્ટાર્ટ-અપ આઇડિયા’ની શરૂઆત ફક્ત એક તકલી અને એક ચરખાથી થઈ હતી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment