ઉજવો... ' ખાડા'નો દિવસ !

આ વરસે દિવાળી અને નવા વરસની વચ્ચે જે ખાલી દિવસ છે તેને અમુક લોકો ‘ખાડાનો દિવસ’ કહે છે !

આ વરસે ચોમાસામાં જે હજારોની સંખ્યામાં રોડમાં ખાડાઓ પડ્યા છે, એ હિસાબે અમે તો કહીએ છીએ કે આપણે આ ‘ખાડાનો દિવસ’ ધામધૂમથી ઉજ્વવો જોઈએ !

*** 

કોન્ટ્રાક્ટરો ઉજવે…
માત્ર બે ચાર ઇંચના વરસાદમાં આખા ગુજરાતના રસ્તાઓમાં જે રીતે ખાડા પડી ગયા તે છતાં કોન્ટ્રાક્ટરોને કશો દંડ થવાને બદલે ઉલ્ટું ખાડા ભરવાના લાખોના કોન્ટ્રાક્ટો મળ્યા છે !
આવા ખાડાઓનો આભાર માનવા માટે કોન્ટ્રાક્ટરોએ વહેલી સવારે આ ખાડાઓનું ‘પૂજન’ રાખવું જોઈએ ! ખાડેશ્વરાય નમઃ…

*** 

ડોક્ટરો ઉજવે…
ખાડાઓમાં ઉછળી ઉછળીને વાહનો ચલાવતાં જે લોકોના મણકા ઢીલા થઈ ગયા, કમરના પરમેનેન્ટ દુઃખાવા થઈ ગયા એ સહુ દરદીઓએ જે જે ઓર્થોપેડિક ડોક્ટરોનાં દવાખાનામાં રોકડી કરાવી આપી છે એ સહુ ડોક્ટરોએ ભેગા મળીને ખાડાઓની ‘આરતી’ ઉતારવી જોઈએ ! જય ખાડેશ્વર દેવાઆઆ…

*** 

મિકેનિકો ઉજવે…
ખાડાઓને કારણે માત્ર માણસોના જ નહીં પણ વાહનોનાં સાંધા ઢીલા થઈ ગયા છે ! કંઈ કેટલાંયનાં એલાઈનમેન્ટ હલબલી ગયાં, કંઈ કેટલાયનાં વ્હીલ-બેલેન્સ ખસી ગયાં, કંઈ કેટલાયનાં જમ્પરો ઢીલાં થઈ ગયાં, અને કંઈ કેટલાયનાં નટ-બોલ્ટ ખુલી ગયાં !
આવી સરસ સિઝનલ કમાણીનો આભાર માનવા મિકેનિકોએ ખાડાઓમાં નાળિયેર વધેરીને પ્રસાદ વહેંચવા જોઈએ ! બોલો ખાડાદાદાની જય…

*** 

વીમા કંપનીઓ ઉજવે…
કેટલાક ખાડાઓ તો એવા વિશાળ હતા કે આખેઆખાં વાહન ગરક થઈ ગયાં ! આવા ભયાનક દ્રશ્યોના ફોટા જોઈને બાકીનાઓએ ફટાફટ વીમા ઉતરાવી નાંખ્યા ! તો એ હિસાબે વીમા કંપનીઓએ તો ખાડાના જ વીમા ઉતારવા જોઈએ ! … પ્રિમિયમો તો સરકારી એન્જિનિયરો ભરશે, ‘ખાડા પડશે જ’ એની બાંહેધરી સાથે ! ભણો, ‘ખાડે ગયેલા’ તંત્રનો મંત્ર…

***

- મન્નુ શેખચલ્લી

Comments