ધનતેરસની પ્રજાલક્ષી માંગણીઓ !

મોદી સાહેબની સરકાર હિન્દુવાદી હોય કે ના હોય, આજના ધનતેરસના શુભ દિવસે અમારી કેટલીક ‘બિન-સાંપ્રદાયિક’ છતાં ધનને લગતી ઉજવણી-લક્ષ્મી તથા પ્રજાલક્ષી માગણીઓ છે…

*** 

કમ સે કમ આજના દિવસે પેટ્રોલ અને ડિઝલમાં 10-10 રૂપિયાનું ‘દિપાવલી ડિસ્કાઉન્ટ’ આપો ને ! કરોડો લોકોની શુભેચ્છાઓ મળશે !

*** 

અચ્છા, જે લોકો નિયમિત રીતે ઇન્કમટેક્સ ભરે છે એમના ખાતામાં આજના શુભ દિવસે કમ સે કમ 151થી લઈને 1101 રૂપિયાનું ‘કેશ-બેક’ જમા કરાવો ને ! કરદાતાની (ધનદાતાની) કદર કરશો તો જ સરકારને વધુ ધન પ્રાપ્ત થશે…

*** 

સરકારી બેન્કો પણ ખાતેદારોને શુભ-લાભ કરાવી શકે છે… ફક્ત એટલું કરો કે દરેક ખાતેદારને બેન્ક તરફથી એક એક ચાંદીનો સિક્કો આપવામાં આવે !

(ભલે પછી એની ઉપર સર્વિસ ચાર્જ લગાડીને થોડા રૂપિયા કાપી લેજો !)

*** 

અચ્છા, ચાંદીના સિક્કાનું ના થાય તો કંઈ નહીં, પણ બેન્કના દરેક ખાતેદારને ઘેરબેઠાં 50 અને 100 રૂપિયાની કડકડતી નોટો તો પહોંચાડો ? લક્ષ્મીજીની કૃપા બારે માસ વરસતી રહેશે…

(શું કહ્યું ? નોટો ઘેરઘેર શી રીતે પહોંચાડવી ? અરે, ચૂંટણી વખતે ઘેર ઘેર પોટલી શી રીતે વહેંચો છો!)

*** 

આ વરસે તો EDએ દરોડા પાડીને અધધધ કાળાં નાણાં પકડી પાડ્યાં છે ! તો ભલે, પેલા પંદર-પંદર લાખ ભૂલી જઈએ, પણ આ દેશી કાળાં નાણાંમાંથી સૌને જે 600-700 રૂપિયા મળ્યા એ ! એટલા તો વહેંચો ?

*** 

અને છેલ્લે, નિર્મલાજીને રિક્વેસ્ટ છે કે આ શુભ દિવસે સૌના ઘરે એક એક ‘ડોલર’ની નોટો વહેંચો ! પછી અમે તમારા દરેક ખુલાસા સાચા માની લઈશું ! બસ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments