આજકાલ જમાનો એવો ચાલે છે કે ફેક ન્યુઝ ક્યારેક સાચા લાગે છે અને સાવ સાચા ન્યુઝ ફેક લાગી શકે છે !
પ્રસ્તુત છે એવા જ કંઈક ફેક ન્યુઝ…
***
કેજરીવાલને UKનું તેડું
ઇંગ્લેન્ડમાં જે ભયાનક રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તેની વચ્ચે ભારત માટે એક ગર્વના સમાચાર છે. બ્રિટનના ખાસ જાણકારોને ગુપ્ત માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલને UKના નવા નાણામંત્રી બનવાનું આમંત્રણ અપાઈ ગયું છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે UKમાં વીજ-બીલો અત્યંત અસહ્ય રીતે વધી ચૂક્યાં છે.
આ વીજળીનાં બિલો ઘટાડવામાં કેજરીવાલની માસ્ટરી હોવાથી તેમને UKના નવા નાણામંત્રી બનવાની ઓફર આપવામાં આવી છે.
***
દાઉદ ઇબ્રાહિમને આંતરરાષ્ટ્રિય પારિતોષિક
મૂળ ભારતીય છતાં આખી દુનિયામાં જાણીતા થઈ ચૂકેલા અંડરવર્લ્ડના ડોન દાઉદ ઇબ્રાહિમનું નામ એક બહુ મોટા આંતરરાષ્ટ્રિય પુરસ્કાર માટે બોલાઈ રહ્યું છે. 1993 પછી દાઉદ કે તેમના કોઈ સહયોગીઓ ભારત કે કોઈ બીજા દેશમાં થનારા બોમ્બ ધડાકામાં સામેલ હોવાનું જણાયું નથી. આથી દાઉદ ઇબ્રાહિમને વિશ્ર્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળી શકે છે.
દાઉદ દ્વારા ચલાવાઈ રહેલી વિવિધ ડ્રગ સપ્લાય, સ્મગલિંગ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં પણ જે તે દેશની પોલીસને તથા નેતાઓને શાંતિપૂર્વક તેમના હપ્તા પહોંચાડાઈ રહ્યા છે, આ બાબત પણ શાંતિ પુરસ્કારમાં ભાગ ભજવી ગઈ છે.
***
ભારત જાપાનને કન્સલ્ટન્સી આપશે
જાપાનમાં સુપરફાસ્ટ ઝડપે દોડી રહેલી બુલેટ ટ્રેનની આડે કોઈ ગાય, ભેંશ, કૂતરાં, બકરાં કે ખિસકોલી વગેરે આવીને અથડાય તો તે વખતે શું શું કરવું તે બાબતની કન્સલ્ટન્સી હવે ભારત જાપાનને આપશે.
આનાં અમુક સંશોધનો કરવા માટે ભારતની ભેંશોને જાપાન લઈ જવાશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment