સિઝનનું નવું દારૂખાનું !

દિવાળી નજીક આવી રહી છે. ગુજરાતમાં તો ચૂંટણી પણ નજીક આવી રહી છે ! એ જોતાં બજારમાં નવી જાતનું દારૂખાનું પણ આવી રહ્યું છે ! જુઓ…

*** 

કેજરીબ્રાન્ડ તડાફડી
ગુજરાતમાં આ વખતે કેજરીવાલે તડાફડીનું નવું પેકેજ છોડી મુક્યું છે. એમાંથી વછૂટેલી ભોંયચકરીઓ, સાપોલિયાંઓ, ટેટાઓ અને નાના મોટાં લવિંગિયાંઓ મોટા મોટા આતશબાજીના ખેરખાંઓને ભડકાવી રહ્યાં છે !

આ તડાફડીમાં અમુક ભીંતભડાકા તો એવા છે કે દેખાવે જરીક અમથા છે પણ ધડાકા પછી એના પડઘા ઝટ શમતા જ નથી !

*** 

ભાજપ બ્રાન્ડ લંગાર સિરિઝ
આ બ્રાન્ડમાં નાની નાની કોઈ આઈટમો છે જ નહીં ! અહીં તો 1000, 2000, 5000 ફટાકડા નોન-સ્ટોપ ફૂટ્યા જ કરે એટલો મોટો દારૂખાનાનો સ્ટોક છે ! એમની વિકાસ સિરિઝમાં આંખો આંજી દેતાં તારામંડળ, ચકાચોંધ કરી દેતી કોઠીઓ અને આકાશમાં ઊંચે જઈને ધમાકા સાથે ફૂટતા ફટાકડા છે ! 

આમાં કશું છૂટક મળતું જ નથી ! બધું જથ્થાબંધ જ છે !
છતાં બજારમાં એવી વાતો ચાલે છે કે આ લોકો કોંગ્રેસના ગોડાઉનમાંથી પાછલે બારણેથી સૂતળી બોમ્બો ઉપાડી લાવે છે !

*** 

હાર્દિક બ્રાન્ડ હવા-હવાઈ
પાંચ વરસ પહેલાં જેને મોટો બોમ્બ માનવામાં આવતો હતો એ બ્રાન્ડ આજે હવાઈ ગઈ છે. છતાં એને હવામાં ચગવામાં રસ છે ! બીજી તરફ આ હવાઈ હવામાં ઊંચે જાય એના કરતાં શી રીતે આડી ફાટે તે જોવામાં ઘણાને રસ છે !

*** 

કોંગ્રેસ બ્રાન્ડ સૂરસૂરિયાં
આ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર જાત્રાએ નીકળ્યાં છે ! બીજાં વયોવૃદ્ધ એમ્બેસેડર, જેનાં ફોટાનાં દર્શન વડે ડિલરો રોકડી કરી ખાતા હતાં એ બિમાર છે. નવા સોલ ડિસ્ટ્રીબ્યુટર હજી હમણાં જ નીમાયા છે પણ ઉંમરમાં જુના છે. ગોડાઉનમાંથી સારી સારી આઈટમો ચોરાઈ જાય છે છતાં સૂરસૂરિયાનાં ઘરાકો મળી જશે એવી આશામાં ડિલરો મોડે મોડે જાગ્યા છે અને દુકાનો ખોલવાની તૈયારી કરી રહ્યા છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments