સુચના (1)
માળિયામાં સફાઈ ચાલતી હોય ત્યારે તમારા મોં ઉપર અને માથા ઉપર કપડું બરોબર બાંધી રાખવું…
… કેમકે તમારા પતિ ગમે ત્યારે અચાનક કચરો પાડશે !
***
સુચના (2)
માળિયામાંથી ગમે ત્યારે કોક્રોચ, મંકોડા, જીવડાં, તમરાં વગેરે બહાર ધસી આવે તો હાથમાં ‘હિટ-કોક્રોચ’ તૈયાર રાખો…
… અને ગરોળી ધસી આવે તો ભાગીને બાથરૂમમાં ઘૂસી જવાની તૈયારી રાખો !
***
સુચના (3)
પતિ માળિયામાં બુકાની બાંધીને ચોરની જેમ ઘૂસ્યા હોય એવો ફોટો ફેસબુકમાં મુકશો નહીં !
એક તો સાસરિયાં નારાજ થશે, અને બીજું, તમારી બહેનપણીઓની ઇન્કવાયરી આવશે કે ‘નવો રાખ્યો છે ?’
***
સુચના (4)
જુનાં જિન્સ કાઢી નાંખવા નહીં. એના બદલે એને એસિડ-વોશ વડે ધોઈને, ચપ્પુ વડે ખોતરીને, કાતર વડે કાપા પાડીને સાવ ચીંથરા જેવું કરીને ઓનલાઈન વેચવા મુકશો તો સારો ભાવ મળશે !
***
સુચના (5)
જુનાં પાઠ્યપુસ્તકો, ગાઈડો, નોટો વગેરે પસ્તીમાં આપતાં પહેલાં ગરીબ બાળકોને દાનમાં આપતા હો એવા ફોટા પડાવીને ફેસબુકમાં મુકો.
(આઠમાની ચોપડીઓ પાંચમા ધોરણના બાબલાને આપશો તોય ચાલશે. કોણ જોવાનું છે?)
***
સુચના (6)
જો તમારા પતિ સરખી રીતે સાફસૂફી ના કરતા હોય તો પાડોશણના પતિને સ્માઈલ આપીને બોલાવો !
- એ જ રીતે પાડોશણને કહો કે તમારા પતિને સ્માઈલ આપીને બોલાવે ! વિના સહકાર, નહીં ઉધ્ધાર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment