હોલિવૂડિયાં ભૂતો અને ઝોમ્બિડાં !

રડારોડવાળી સિરિયલો બહેનો વારંવાર શા માટે જુએ છે ? રડ- રડ કરવા માટે ને ? પણ પેલા વિદેશી ધોળિયાઓ ડરામણી હોરર ફિલ્મો વારંવાર શા માટે જોતા હશે ? ‘ડર-ડર’ કરવા માટે ?

આપણને એમ થાય કે સાલું, સામે ચાલીને થિયેટરમાં જઈ જઈને આટલું બધું ડરવાની તે શી મઝા આવતી હશે એમને ?

પણ એક થિયરી એવી છે કે ટીન-એજર છોકરો એની ટેન-એજર ગર્લફ્રેન્ડને જાણીજોઈને હોરર મુવી જોવા લઈ જાય છે ! કેમ ? કારણકે જ્યારે પરદા ઉપર ડરામણા સીન આવે ત્યારે પેલી ડરની મારી છોકરાને ચોંટી પડે ! 

એ તો ઠીક, પછી જ્યારે શો છૂટે ત્યારે અંધારામાં પેલી બાઈકની પાછલી સીટ ઉપર કંઈ સવા ત્રણ ઇંચનું ‘સંસ્કારી’ અંતર રાખીને થોડી બેઠી હોય ? એમાં વળી ક્યાંક સુમસામ રસ્તે ચીબરી બોલી કે કૂતરું રડ્યું… તો આગલી સીટ ઉપર બાબલાને જલ્સા જ જલ્સા ને ?

તો બોસ, આ છે મેઇન સિક્રેટ હોલિવૂડની હોરર ફિલ્મોનું ! 

તમે ખાસ માર્ક કરજો કે એ બધી હોરર ફિલ્મોમાં પેલી એક્શન મુવીઝ જેવા 45-50 વરસના, છૂટાછેડા લીધેલા, બૈરીથી કંટાળેલા, કાબરચીતરી દાઢીવાળા મસ્ક્યુલર મરદો હિરો નથી હોતા ! આપણને થાય કે ભૂતો અને ડાકણો સામે લડવા માટે તો ટારઝનો અને હરક્યુલિસો જેવા પહાડી પુરુષો જ હોવા જોઈએ ને ? પણ ના ! અહીં તો બાબાભાઈને બેબલીઓ પટાવવાની છે ! સમજ્યા ?

તમે એ પણ માર્ક કરજો કે 60-70 વરસનાં ઘરડા કાકા-કાકી એમની ખડખડપંચમ કાર લઈને અડધી રાત્રે ભૂતિયા જંગલમાંથી પસાર થતાં હશે તો એમની કારને પંચર પણ નહીં પડે ! પણ 16-17 વરસના છોકરા-છોકરીઓની મસ્ત લાલ કલરની ચકાચક કાર ધોળે દહાડે, ભર બપોરે, કોઈ મસ્ત બંગલાની આસપાસ જ બગડી જશે ! 

એ પછી બંગલામાં છોકરા છોકરીઓ રાત્રે ચુમ્મા-ચાટી કરતા હોય ત્યાં સુધી ભૂત લોકો નાઈટ-શોમાં પિચ્ચર જોવા બેઠા હોય એમ ચૂપચાપ સંતાઈને પડી રહેશે ! પછી જેવી કોઈ છોકરી પાણી પીવા ઊભી થાય કે સૂસૂ કરવાની થાય… ત્યારે જ ઘરમાં સંતાયેલું પેલું પિશાચ ત્રાટકશે !

આપણાં હિન્દી પિક્ચરોમાં તો ભૂત એટલે સફેદ સાડી પહેરીને ગાયન ગાતી, ઊંઘમાં ચાલતી હિરોઈન ! અથવા ઘઉંના લોટને મીણમાં મિક્સ કરીને ચહેરા ઉપર ચોંટાડ્યો હોય એવાં વિચિત્ર ડાચાંવાળાં ભૂત-પલીત ! પણ સાલું, હોલીવૂડની હોરર ફિલ્મોમાં તો એના ડાચાં ઉપરથી ઓગળી રહેલા મીણ જેવા માંસના લોચેલોચા લબડી રહ્યા હોય છતાં સાલું ભૂત આગળ જ વધતું રહે !

અચ્છા, આપણી ફિલ્મોમાં તો પેલું બિચારું ભૂત એટલા માટે ભૂત બન્યું હોય કે એની આગલા જનમની કોઈ ઇચ્છા અધૂરી રહી ગઈ હોય. પણ હોલિવૂડીયાં ભૂતો એવાં કશાંય રોદણામાં પડતાં જ નથી. (સાલાં, કોઈ ગાયનો પણ નથી ગાતાં !) એ હોલિવૂડિયાં ભૂતોની ફૂલ-ટાઈમ ‘જોબ’ જ ટીન-એજરોનું કાચે-કાચું માંસ ખાવાની હોય છે ! 

એમાંય અમુક, જેને ‘ઝોમ્બિ’ કહેવામાં આવે છે, એ બધાં તો મરી ગયાં પછીનાં હાલતાં ચાલતાં શરીરો હોય છે ! આપણને એમ થાય કે સાલી, જબરી ‘જોબ’ છે ? મરી ગયા પછી પણ ‘પગાર’ ચાલુ જ છે ? અલ્યા, કંઈ ‘રિટાયરમેન્ટ’ પેકેજ જેવું તો રાખો ? પણ ના ! 

આવાં ઝોમ્બિઓને ગોળીઓ મારો તો પેટમાં કાણાં પડી જાય, પણ એમનો આત્મા ‘મુક્ત’ જ ના થાય ! અમુકનાં તો હાથ-પગ કપાઈને છૂટાં પડી જાય તોય ઢસડાતાં ફરે ! હદ થઈ ગઈ ભૈશાબ, આવી તે કેવી નોકરી ? 

અચ્છા, આ ઝોમ્બિડાં આપણાં માણસોનાં માંસ ખાય તો ખરાં, પણ જો પેટમાં છરી વડે ચીરો પાડી દીધો હોય તો ખાધેલું બહાર નીકળ્યા જ કરે ! (આ તો સારું છે કે એ ફિલ્મોમાં ‘પાછળના’ ભાગે ગોળીઓ કે છરા નથી મારતા !)

આ સિવાય હોલિવૂડિયાં ભૂતોમાં એક ‘વેર-વૂલ્ફ’ નામની જ્ઞાતિ હોય છે. આમને વરૂ કે શિયાળ સામે કોઈ ‘વેર’ નથી હોતાં પણ એમને ‘વૂલ્ફ-વેર’ એટલે કે વરૂનાં રૂછાં પહેરવાની ફેશનનો ઝેરી ચેપ હોય છે. 

એટલે જ આ બધાં વેર-વૂલ્ફો દિવસે માણસ હોય છે પણ રાત્રે જંગલમાં જઈને વરૂ બની જાય છે ! પણ તે વખતે એમણે પહેરેલાં પેન્ટ-શર્ટ કે બ્લાઉઝ વગેરેનું શું કરે છે એ કદી બતાડતા નથી ! 

બોલો, ના ચાલે ને ? કોઈ કપડાં લઈને હાલતું થાય તો, સવારે લોચો ને !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments