એ પાકો અમદાવાદી !

અહીં અમદાવાદમાં કહેવત છે કે ‘રૂપિયામાં ય ‘ત્રણ’ અડધા શોધે એને કહેવાય પાકો અમદાવાદી !’ આ સિવાય પણ પાકા અમદાવાદીનાં ખાસ અનોખાં લક્ષણો છે ! જુઓ…

*** 

ફાફડા સાથે ચટણી, દાળવડા જોડે તળેલાં મરચાં અને ઈડલી સાથે સાંભાર તો ‘ફૂલ’ ક્વોન્ટિટીમાં જ માગે… ભલે ને ઓર્ડર માત્ર 100 ગ્રામનો કેમ ના હોય !

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

દારૂ ‘સંતાઈ’ને પીવો પણ એનું પ્લાનિંગ શી રીતે કર્યું, કેવી મઝા આવી અને કેટલી ‘કોસ્ટ’ આવી એ બધાનું ડિસ્કશન પાછું ‘જાહેર’માં કરે !

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

માત્ર પોતાના જ નહીં, બીજાના પૈસા શી રીતે બચાવી શકાય એની સલાહો સતત બીજાઓને ફ્રીમાં આપતો રહે !

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

છતાં, રેસ્ટોરન્ટમાં બિલ ચૂકવવાનું આવે ત્યારે ‘હું આપું છું.. ના ના, હું આપું છું…’ એવું કહેતા કહેતાં ખિસ્સામાંથી પાકિટ તો ઝટ કાઢે જ નહીં !

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

સામેવાળાનું ધંધામાં નુકસાન થયું છે, અથવા એ ફાલતુ ચીજ મોંઘા ભાવે ખરીદી લાવ્યો છે… એવું પહેલાં જાણી લીધા ‘પછી’ જ બોલે કે યાર મને ‘પહેલાં’ કેવું હતું ને ! તમારા પૈસા બચી જાત ને ?

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

એક આખી ચાને બદલે અડધાની પણ અડધી એવી ચાર ‘પા’ ચા મંગાવીએ તો જોડે ચાર પેપરકપ પણ ફ્રીમાં મળે ચે એવી ઝીણામાં ઝીણી ગણત્રી રાખે !

… એને કહેવાય પાકો અમદાવાદી !

*** 

અને અમુક OTT પ્લેટફોર્મમાં એક સબસ્ક્રીપ્શન ભરનારને બીજા ત્રણ જણાને એમાં વધારાના કોઈ ચાર્જ વિના એડ કરી શકાય છે એવું જાણ્યા પચી મફતમાં OTT જોવા માટે દુશ્મન જોડે પણ ‘ઘર જેવાં રીલેશન’ કરી નાંખે !

… એને કહેવાય પાકો અમદાવાદી !

***

- મન્નુ શેખચલ્લી

Comments