ન્યુઝ ઉપર મીઠું મરચું !

અમુક વાર એવું થાય છે કે એક જ દિવસે એટલા બધા રસપ્રદ સમાચારો ભેગા થઈ જાય છે કે એમાં મીઠું મરચું ભભરાવવાનું મન થઈ આવે છે.

*** 

ન્યુઝ :
ઇન્ટરસીટી ટ્રેનનું કપલર તૂટતાં 3 ડબ્બા આગળ દોડ્યા અને 15 પાછળ રહી ગયા.
મીઠું મરચું :
ગુજરાતના વિકાસનું પણ એવું જ લાગે છે. માંડ માંડ ત્રણનો વિકાસ થાય છે ત્યાં પંદર આડા ફાટે છે !

*** 

ન્યુઝ :
સરકારી ઓફિસોમાં દાખલ થવા માટે હવે વેક્સિન સર્ટીફિકેટ બતાડવાની જરૂર નથી.
મીઠું મરચું :
પણ કામ કઢાવવા માટે ખિસ્સામાં ‘વજન’ લઈને જવું હજી ફરજીયાત છે !

*** 

ન્યુઝ :
હવે વ્યક્તિના બોલવા ઉપરથી બિમારીઓ ઓળખી શકાશે.
મીઠું મરચું :
એનો અર્થ એ થયો કે પતિઓને શી બિમારી છે એ તો ખબર જ નહીં પડે ને ?

*** 

ન્યુઝ :
ન્યુઝિલેન્ડમાં ગાય-ભેંસો જે મિથેન ગેસ છોડે છે એની ઉપર હવે ‘ઉત્સર્જન ટેક્સ’ લાગશે.
મીઠું મરચું :
આ ન્યુઝ નિર્માલા સીતારામનને ના મળે તો સારું, નહિંતર અહીં ભારતમાં સંચળ, વાલની દાળ, બટાટાવડા, કંદનાં ભજીયાં, લસણ, હિંગ જેવી અનેક ચીજો ઉપર ‘ઉત્સર્જન ટેક્સ’ લાગી જશે !

*** 

ન્યુઝ :
અમિતાભ બચ્ચનના 80મા જન્મદિવસે અમિતાભ જેવો ગેટ-અપ ધારણ કરીને તેની મિમિક્રી કરનારા સેંકડો કલાકારોને પણ સન્માન મળી ગયું.
મીઠું મરચું :
જોયું ? અભિષેક બચ્ચન આ વખતે પણ ઊંઘતો ઝડપાયો ! ભઈલા, તેં સફેદ દાઢી-મૂછ લગાડીને હાથ લાંબો કરીને, જરીક ‘હાંય… હાંય…’ કર્યું હોત તો લોકો તને પણ બે પૈસા આપતા હોત !

***

- મન્નુ શેખચલ્લી

Comments