દિલ્હીની દારૂની દુકાને... !

દિલ્હીમાં એક દારૂની દુકાને એક અઠંગ દારૂડિયો આવીને કહે છે : ‘એક બોતલ વ્હીસ્કી દે દો.’

દુકાનદાર કહે છે : ‘6000 રૂપિયા હોગા.’

દારૂડિયો ચોંકી ગયો : ‘અરે ? કલ તક તો સિર્ફ 3000 થે ! આજ 6000 કૈસે હો ગયે ?’

દુકાનદાર એને વ્યવસ્થિત રીતે સમજાવે છે : ‘જુઓ, દારૂની કિંમત તો 2000 રૂપિયા જ છે, પણ એની ઉપર 1000 રૂપિયા જેટલા વિવિધ ટેક્સ લાગે છે.’

દારૂડિયો : ‘હા, આખી સરકાર અમારા ટેક્સ વડે તો ટકી રહી છે… કોરોનાનો ટાઈમ ભૂલી ગયા ? પણ યાર, સીધા 6000 ?’

દુકાનદાર : ‘જુઓ, એમાંથી 500 રૂપિયા બધાને મફતમાં વીજળી આપવા માટે વપરાશે.’

દારૂડિયો : ‘અરે વાહ ! દારૂ હું પીઉં અને કરંટ લોકોના ઘરમાં ? વાહ !’

દુકાનદાર : ‘બીજા 500 રૂપિયા લોકોને મફત દવા વપરાશે.’

દારૂડિયો : ‘ક્યા બાત હૈ, યે તો સહી મેં ‘દવા-દારૂ’ કા કામ કર રહી હૈ ! લીવર મારું ખરાબ ભલે થતું, લોકોની તબિયત ખરાબ ના થવી જોઈએ.’

દુકાનદાર : ‘એ સિવાય બીજા 1000 રૂપિયા મહિલાઓને આપવામાં વપરાશે.’

દારૂડિયો : ‘આહાહા… ક્યા બાત હૈ, હમ પીને કે બાદ અપને પૈરોં પે ખડે નહીં હો સકતે મગર હમારી દારૂ સે મહિલાઓં અપને પૈરોં પે ખડી હોંગી ! વાહ વાહ !’

દુકાનદાર : ‘અને બીજા 500 રૂપિયા લોકોને ફ્રી વાઈ-ફાઈ આપવામાં જશે.’

દારૂડિયો : ‘સહી હૈ… જે દારૂ પીએ એ પણ રંગીન સપનાં જુએ અને ના પીએ એને મોબાઈલમાં રંગીન સપનાં… આપો ! આપો !’

દુકાનદાર : ‘અને છેલ્લા 500 રૂપિયા સરકાર કેટલાં સારાં કામો કરે છે એની જાહેરાતોમાં વપરાશે…’

દારૂડિયાને જબરી તલબ લાગી હતી એટલે એણે 6000 રૂપિયા કાઢીને આપી દીધા. દુકાનદારે એમાંથી 3000 રૂપિયા પાછા આપતાં કીધું :

‘આ લો, તમારા બાકીના રૂપિયા.’

‘અને દારૂ ?’

'આજે સ્ટોક ખલાસ છે.’

***

- મન્નુ શેખચલ્લી

Comments