ટાઇટેનિક હિન્દીમાં... ઈન્ટરવલ પછી શું ?

ટાઈટેનિક જો એ જ વરસે (1997)માં હિન્દીમાં બની હોત તો ? ગયા સોમવારે તમે વાંચ્યું કે ઇન્ટરવલ પડ્યો ત્યારે જહાજ દરિયામાં કશાક સાથે અથડાયું છે ! ડૂબવાની તૈયારીમાં છે !

પણ શાહરુખ જઈને વિલન અમરીશ પુરી પાસે એની દિકરી કાજોલનો હાથ માગે છે. અમરીશ પુરી કહે છે કે જો તું મારો પાન-મસાલાનો સ્મગલિંગ માલ ડૂબતો બચાવી આપે તો કાજોલ તારી ! જા સિમરન જા !

હવે શાહરુખ શું કરશે ? અરે, પહેલાં તો ગાયન ગાશે ! (કેમ વળી, ‘ટાઈટેનિક’ ડૂબી રહ્યું હતું ત્યારે પેલા ઓરકેસ્ટ્રાવાળા વાયોલિનો નહોતા વગાડતા ?) શાહરૂખની બિહારી ભજનમંડળી પણ તૈયાર જ છે ! એ લોકો ઢોલ-મંજીરા-હાર્મોનિયમ સાથે ભજન ઉપાડે છે : ‘આરારારા… કબીરા ! દેખ, બાજે મંજીરા ! ઉપરવાલા હમરી નૈયા કો ભવસાગર પાર કરાઈ દે, બબૂવા !’

ચાલુ ભજને આખા જહાજના પેસેન્જરો બનારસ, બદરીકેદાર, પ્રયાગરાજ, કન્યાકુમારી, બ્રહ્માકુમારી, કાચીકુંવારી… એવા અનેક સ્થળે નાચતા કૂદતા દેખાય છે ! વિલન પૂછે છે ‘સસૂરા હમ ઇહાં કઈસન આ ગયેલે ?’ 

શાહરૂખ કહે છે ‘સસુરજી કૌનો ફિકર ના કરો ! હિંદી ફિલમવા કે ગાને મેં ઇ કા ડ્રિમ સિકવન્સ કોહતે હૈ…’ 

વિલન પૂછે છે ‘આટલી બધી વારમાં જહાજ ડૂબી જશે તો ?’
 
શાહરૂખ કહે છે ‘આખો હિન્દી ફિલ્મોનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો ! ગાયન વખતે ક્યારેય કોઈ સ્ટોરી આગળ વધી છે ? ટાઈમ ફ્રીઝ થઈ ગયો છે !’

ખેર, ગાયન પુરું થાય છે પછી શાહરુખ એક મિનિ સબમરીન લઈને દરિયામાં ઊંડે ઉતરીને શોધવા જાય છે કે જહાજને અથડાયું છે શું ? (અને હલો, એમ ના પૂછશો કે જહાજમાં મિનિ સબમરીન ક્યાંથી આવી ? ભૈશાબ, હેલિકોપ્ટરો કંટેનરમાં હોય તો મિનિ સબમરીન ના હોય ?) 

શાહરૂખની સબમરીન ‘બૂડ બૂડ બૂડ…’ અવાજો કરતી નીચે જાય છે ત્યાં એને ‘ડૂબ ડૂબ ડૂબ..’ એવા ભેદી મંત્રોચ્ચાર સંભળાય છે ! શાહરુખ જુએ છે તો અમુક ભેદી લાગતા ગુંડાઓ દરિયામાં ઇન્ટરનેશનલ કોલ (ISD કોલ) માટેનાં જે જાડા જાડા કેબલો હોય છે ( ૧૯૯૭માં હતાં, આજે સડી ગયેલા હોય તો ખબર નથી.) તેના વડે લંગસિયાં બનાવી બનાવીને જહાજને ડૂબાડવાનો ખેલ ખેલી રહ્યા છે !

શાહરૂખ પોતાનાં ફેફસાં ફૂલાવીને, પોતાના કુળદેવતા રજનીકાંતને યાદ કરે છે, અને પછી એટલા જોરથી પાણીમાં ફૂંકો મારે છે કે હવાના મોટા મોટા પરપોટા વડે પેલા ગુન્ડાઓનાં હાડકાં ફ્રેકચર થવા માંડે છે ! (પિક્ચર સાઉથમાં પણ ચાલવું જોઈએ ને ?) 

ગુન્ડાઓ ભાગે છે. શાહરૂખ પીછો કરે છે… છેવટે ગુન્ડાઓ પાણીની અંદર એક ટનલમાં ઘૂસી જાય છે. શાહરૂખ એમાં જાય છે તો ખબર પડે છે કે અહીં તો આખું એક અલગ જ અંડરવર્લ્ડ શહેર છે ! 

નવાઈની વાત એ છે કે અહીંનો ડોન પણ અમરીશ પુરી છે ! એને એક દિકરી છે એ પણ કાજોલ છે ! અને એનો થનારો જમાઈ પણ હલકટ શક્તિકપૂર છે ! (જોયું ? ત્રણ ત્રણ ડબલ રોલ ! એ પણ અંડરવોટર ! બોલો, આવું કદી જોયું છે હોલીવૂડની ફિલ્મોમાં ?)

સ્ટોરી આગળ વધે છે તો ખબર પડે છે કે આ લોકો હજી ગયા જનમમાં છે ! 40 વરસ પહેલાં એમનું જહાજ ડૂબી ગયું હતું ત્યારથી આ બધાં ભૂત બની ગયા છે ! અહીં રાખી પણ છે. એ બબડ્યા કરે છે : ‘મેરે કરન-અર્જુન આયેંગે… મેરે કરન-અર્જુન આયેંગે…’ 

ત્યાં શાહરૂખ આવે છે. રાખી પૂછે છે ‘તુમ કરન હો યા અર્જુન ?’ શાહરૂખ એના બંને હાથ ફેલાવીને કહે છે : ‘હે… ય !  ના તો મૈં ક-ક-ક કરન હૂં, ના હી મૈં અર્જુન કપૂર હૂં.. મેરી ક-ક-ક-કિરન કહાં હૈ ?’ 

અહીં જે કિરન છે એ કાજોલ છે ! એ આગલા જનમમાં શાહરૂખના પ્રેમમાં હતી. એની પાસે આખું 'સિક્રેટ' છે ! એ કહે છે: 

‘જો તું અમને બધાને અમારા ડબલ રોલની સામે ઊભા રાખીને હિન્દી ફિલ્મનું કોઈપણ પુનર્જન્મનું ગાયન ગાઈશ તો ચમત્કાર થશે અને અમારા તમામ આત્માઓની મુક્તિ થઈ જશે !’

જોકે અંડરવોટર અંડરવર્લ્ડના વિલનને આ આઈડિયા પસંદ નથી. છતાં શાહરૂખ કાજોલને લઈને ભાગે છે. આખું અંડરવર્લ્ડ એની પાછળ પડે છે… ઢેનટેન ઢેનટેન… 

એવામાં અંડરવોટર શક્તિકપૂર ' કલોરમેન્ટ'ની ગોળી ખાય છે ! એનાથી એના દિમાગની બત્તી જલી ઉઠે છે ! હવે એ પોતાની જાદૂઈ તાકાત વડે દરિયાના પેટાળમાં છૂપાવેલો ‘ક્લોરમેન્ટ’નો જથ્થો કાઢીને બોમ્બની જેમ ફંગોળે છે. ‘ક્લોરમેન્ટ’માં ઠંડુ ઠંડુ મેન્થોલ હોવાથી દરિયાનું બધું જ પાણી બરફ થઈ જાય છે !

બસ, એ જ વખતે બન્ને કાજોલ એકબીજાને મળે છે ! અને શાહરૂખ ઠંડા પાણીમાં ધ્રુજતો ધ્રુજતો તોતડા અવાજે એમ કહીને ડૂબી મરે છે કે ‘યાર, બબ્બેને હું ક-ક-ક કેમ કરીને સંભાળીશ ? ઉં.... ?’ 

(ધી એન્ડ)

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Hey Bhagavan aava righter pacha awards pan Lai Jay Sav humbug story movie hit karave

    ReplyDelete
  2. મને પણ એકાદ એવોર્ડ અપાવો ! ભલે આ પેરોડી હિટ ના થાય તો પણ !!

    ReplyDelete

Post a Comment