નવરાત્રિ વખતે ચીલાચાલુ એક્સ્પર્ટો તો આવી જ પહોંચે છે જેમકે આધ્યાત્મિક એક્સ્પર્ટ, સંસ્કૃતિ એક્સ્પર્ટ, આયુર્વેદિક એક્સ્પર્ટ વગેરે… પરંતુ નવરાત્રિમાં બીજા પણ અમુક એક્સ્પર્ટો છે…
***
બુલેટિન એક્સ્પર્ટ
એમનાં ન્યુઝ બુલેટિન સતત ચાલતાં જ હોય છે :
‘કલાસાગર ક્લબમાં તો બોસ, કાગડા ઊડે છે… બાજપથ ક્લબમાં આજે ક્રાઉડ મસ્ત છે… ચર્ણાવતીમાં જે નાસ્તા છે એ બધા જ બેકાર છે… ડિલાઈટમાં ઓરક્રેસ્ટા ભંગાર છે પણ છોકરીઓ સુપર્બ છે.. સતરંગપુરા ચાર રસ્તા ઉપર હેવી પોલીસ ચેકિંગ ચાલુ છે… પેટ્રોલના ભાવ કાલે સવા બે રૂપિયા વધી જવાના છે… ભરાઈ લેજો બોસ !’
***
ગોસિપ એક્સ્પર્ટ
આ નિષ્ણાતો તમને ‘ખૂફિયા’ માહિતીઓ (ખરેખર તો પંચાત) પહોંચાડે છે.
‘અલ્યા પેલી શ્રીવલ્લી રાજિયા જોડે બાઈક ઉપર જતી હતી… મિતુડીનું બ્રેક-અપ થયાની વાત સાવ ખોટ્ટી છે.. રાકલાએ મિતુડીને બાજપથ ક્લબની પાછળના અંધારામાં મુકલા જોડે બેઠેલી જોઈ છે… જસ્મિનડીનો જે વિડીયો વાયરલ થયો એ જસ્મિનનો નથી. હકીકતમાં લીનાડીએ પોતાના જ વિડીયોમાં મોર્ફિંગ કરીને વાયરલ કર્યું છે… બોબીડો હંમેશા એના મોબાઈલમાં બધી વાતો રેકોર્ડ કરે છે, પછી સામેવાળાને સંભળાવીને બ્રેક-અપ કરાવે છે… કૈતવિયાના ધોતિયાની ચેઈન બગડી ગઈ છે… શીતલીનું ટેટુ પાણીથી ધોવાઈ જાય એવું જ છે.. કનિષ્કાને તો મેં ટેટુવાળા જોડે બાઈક પર ફરતી જોઈ છે… માલિનીના ડેડી આર્મીમાં છે ! બોસ, જોજો માર ખાવાનો વારો ના આવે… અને હા, માનુની પીઠ ઉપર જે તલ છે એ નકલી છે ! મેં જાતે ઉખાડીને જોયું છે !’
***
સોશિયલ મિડીયા એક્સ્પર્ટ
આવા લોકો કાં તો ઘરે બેઠા હોય છે અથવા જ્યાં જાય ત્યાં ‘ઓનલાઇન’ જ હોય છે અને એમની ‘એક્સ્પર્ટ કોમેન્ટો’ નોન-સ્ટોપ ચાલુ જ હોય છે :
‘વાઉ… બ્યુટિફૂલ… લવલી ચનિયા-ચોલી… નાઈસ સ્ટેપ્સ… પ્લીઝ ટીચ મિ, નો… કમ, ડાન્સ વિથ મિ… આને માતાજી આયા લાગે છે… પાછળ બાબુભૈયા જેવું કોણ ઊભું છે ?... આ ગરબા કરે છે કે ભમરડો બન્યો છે ?... મુઓ ચાંપલો, ફૂલ ટાઈમ સીસીટીવી જ લાગે છે…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment