એક બાજુ સોશિયલ મિડીયામાં ‘રેવડી કલ્ચર’ સામે ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ આપણા ધારાસભ્યો તથા સાંસદોને જે પેન્શનો તથા ભથ્થાંઓ મળે છે તેનો પણ વિરોધ શરૂ થયો છે !
જોકે અમે તો દૃઢપણે માનીએ છીએ કે આ મહાનુભાવોને તો હજી નવાં ભથ્થાંની જરૂર છે…
***
‘મુંહ દિખાઈ’ ભથ્થું
એક વાર ચૂંટાઈ ગયા પછી બિચારા VIPઓ એટલા બિઝી થઈ જાય છે કે પ્રજાને મોં પણ બતાડી શકતા નથી. આના માટે દરેક સાંસદો તથા ધારાસભ્યોને ‘મુંહ દિખાઈ’ ભથ્થું આપવામાં આવે, જેથી કરીને તેઓ દૂર દેશાવરના પ્રવાસો કરીને પ્રજાને પોતાનાં મોં દેખાડી શકે.
***
‘મંગની’ ભથ્થું
મંગની એટલે સગાઈની વાત નથી. આ તો કકળાટી પ્રજા જે સતત જાતજાતની માગણીઓ કર્યા કરે છે તે બિચારા MP અને MLAને ‘સાંભળવી’ પડે છે ને ! તો એમની આ ધરખમ મહેનતના બદલામાં એમને આપો, ‘મંગની’ ભથ્થું !
***
‘બારાતી’ ભથ્થું
બિચારા જનતાના પ્રતિનિધિઓ પ્રજાની સેવા કરવા માટે એકલા ક્યાં જઈ શકે છે ? એમને તો હંમેશાં પોતાની સાથે બેથી ચાર ડઝન ચમચાઓ અને બોડીગાર્ડની ‘બારાત’ તો રાખવી જ પડે છે ને ? તો આ બધાનાં ચા-નાસ્તાનો તથા ભોજન, પાન-મસાલા વગેરેનો ખર્ચ કોણ આપશે ? આપણે જ આપવો જોઈએ ને ! સેવા જોઈતી હોય તો ‘મેવા’ આપવા પડશે.
***
‘દહેજ’ ભથ્થું
આપણે MP અને MLAને પાંચ વરસ માટે દિલ્હી કે ગાંધીનગર જવા માટે વળાવીએ છીએ તો કંઈ ખાલી હાથે મોકલાય ? એમને ‘દહેજ’ આપવું જોઈએ !
***
બોલતી બંધ ભથ્થું
વિધાનસભા તથા સંસદની ગરિમા જળવાઈ રહે તે માટે એમણે એમની બોલતી પણ બંધ રાખવી પડશે ને ? તો આપો, ‘બોલતી બંધ’ ભથ્થું.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment