રાહુલ ગાંધીએ હવે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ યાત્રા શરૂ કરી છે.
લોકો કહે છે કે પહેલાં ‘કોંગ્રેસ જોડો’ !
***
‘ભારત જોડો’ યાત્રામાં રાહુલજીની સાથે બીજા 300 કોંગ્રેસીઓ રહેશે.
જોકે એ પહેલાં જ છેલ્લા 450 જેટલા મહત્વના કોંગ્રેસીઓ ‘કોંગ્રેસ છોડો’ યાત્રામાં જતા રહ્યા છે !
***
હાલના 300 કોંગ્રેસીઓ કાશ્મીર પહોંચતા સુધીમાં 300 જ રહે એ પણ બહુ મોટી યાત્રા-સિધ્ધિ ગણાશે !
***
300નો આંકડો સાંભળીને પેલી હોલીવૂડની ‘300’ નામની ફિલ્મ યાદ આવે છે…
અમુક વફાદારો માને છે કે આમાં પણ એવી જ ‘સ્પેશીયલ ઇફેક્ટો’ જોવા મળશે !
***
રાહુલજી ભારતમાં સળંગ 150 દિવસ પ્રવાસમાં રહેશે…
અમુક લોકોનું માનવું છે કે આવી ઘટના પહેલી વાર બનશે કે રાહુલજી ભારતમાં સળંગ 150 દિવસ હાજર હશે !
***
રાહુલજીના સાથીઓએ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે રાહુલજી રસ્તામાં આવતાં ગામો તથા શહેરોનાં (ખાસ કરીને દક્ષિણ ભારતનાં) નામો એમના ભાષણમાં બોલવાની કોશિશ ના કરે !
***
તમને કદાચ ખબર નહીં હોય પણ ભાજપની એક ‘મિમ્સ’ એન્ડ ‘રિલ્સ’ ટીમ પણ રાહુલજીની સાથે સાથે યાત્રા કરશે !
(બોલીવૂડનું મનોરંજન પતી રહ્યું છે, પણ ચિંતા ના કરો… આવનાર 150 દિવસ તો ‘મનોરંજક’ રહેવાના છે !)
***
યાત્રાના સાથીદારોને સરસ ભોજન મળી રહે એ માટે સવાર-સાંજ બંને ટાઈમ 300-300 લીટર ‘લોટ’ની વ્યવસ્થા થઈ ગઈ છે !
***
અને હા, આખી યાત્રાની કુલ લંબાઈ લગભગ ‘5000 કિલોગ્રામ’ જેટલી થવાની સંભાવના છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment