આજે એક જુની બાળવાર્તાનું નવું રિ-મિક્સ સાંભળો…
જુની વારતામાં એવું હતું કે એક ગામમાં સાત આંધળા રહેતા હતા. એક વહેલી સવારે ગામને દરવાજે એક અજાણ્યું પ્રાણી આવ્યું.
‘આ શું આવ્યું ? આ શું આવ્યું? કરતાં સાતે આંધળા ભેગા થઈ ગયાં. હકીકતમાં તો એ મોટો હાથી હતો. છતાં આંધળાઓ પોતાની રીતે હાથીના વિવિધ અંગો પકડીને કહેવા લાગ્યા કે ‘આ તો સાપ જેવું લાગે છે, ના આ તો સૂપડા જેવું લાગે છે, અરે, આ તો થાંભલા જેવું લાગે છે…’ વગેરે…
છેવટે એ સૌ પહોંચ્યા ગામના મુખી પાસે. મુખી પણ આંધળો હતો ! એણે કહ્યું ‘દાણા નાખી જુઓ… ચણે તો ચકલું નહિતર જનાવર !’
નવી વારતામાં પણ એવું જ છે. એક વિચિત્ર આકારનો જીવ આવીને ગામના દરવાજે ઊભો છે. અને પેલા આંધળા વારાફરતી ‘દાણા’ નાંખવા આવી રહ્યા છે…
પહેલા આંધળાએ એનો પાતળો કમજોર અને થાકેલો એક પગ પકડીને કહ્યું ‘તું જરૂર બગલો હશે. એટલે જ તું એક પગે, ટેકા વિના ઊભો છે. તું મારી સાથે ચાલ, કેમ કે હું પણ તારી જેમ જ કોઈનો ટેકો લીધા વિના પાંચ વરસ સુધી તને ‘સ્થિરતા’ આપીશ.’
બીજા આંધળાએ એના સૂકાઈ ગયેલા ભૂખ્યા પેટ ઉપર હાથ મુકતાં કહ્યું ‘અરે અહીં તો બધું સાફ થઈ ગયું છે ! તું જરૂર સ્વચ્છતાપ્રિય હંસ હશે. તારી મારી સાથે આવવું જોઈએ કેમકે હું પણ તારી જેમ ‘ક્લિન’ છું ! હું દિવસમાં ચાર વાર સ્નાન કરું છું અને દસ વાર બીજાઓને ‘નવડાવી’ નાંખું છું.’
ત્રીજાએ પેલાની ખરબચડી બોચી પર હાથ મુકતાં કહ્યું ‘તું તો બળદ લાગે છે ! તને રોજગારની જરૂર છે. ચિંતા ના કર, હું તને ઘાણીએ ઘાલીને રોજ ‘તેલ’ કાઢીશ !’
ચોથાએ એના માથે પડી ગયેલી ટાલ ઉપર હાથ મુકીને કહ્યું ‘ના ના ! તું તો ગાય છે ! હું તારા માટે એક મંદિર બંધાવીશ. સવાર-સાંજ તારી આરતી ઉતારીશ !’
પાંચમાએ પેલા કૃશકાય જીવની વધેલી દાઢી પકડી લીધી. ‘અરે, આ તો બકરો છે ! એ પણ બહુ મોટી સંખ્યામાં પ્રાપ્ત થનારો લઘુમતી બકરો ! તું મારી સાથે આવ, હું તને ખવડાવી પીવડાવીને જાડોપાડો બનાવીશ અને પછી તારી કુરબાની આપીને તને જન્નત અપાવીશ.’
છઠ્ઠાએ તો હાથ લગાડ્યા વિના જ કહી દીધું ‘તું જરૂર ભેંશ છે કેમકે મને બધું કાળું કાળું જ દેખાય છે. તને તો સસ્તું અને સારું પ્રાથમિક શિક્ષણ આપવાની જરૂર છે. તું મારી સાથે ચાલ ! તારી આગળ ભાગવત વાંચીને તને શિક્ષિત કરીશ.’
સાતમા આંધળાએ પણ કાળા ચશ્મા સરખા કરતાં દૂરથી જ કહી દીધું ! આ તો ઘેટું છે ! ભાઈ ઘેટા, હું તારું દુઃખ સમજુ છું. તને ટોળામાં રહેવાની અને કોઈ દોરે ત્યાં દોરાઈ જવાની આદત છે. તને એ બધું ખૂબ ગમે પણ છે. તું ચિંતા ના કરીશ. હું તારા માટે થોડા થોડા દિવસે મોટા મોટા તાયફાઓ કરીશ… ભવ્ય તમાશા કરીશ.. એ બધું જોવા માટે ટોળેટોળાં ભેગાં થશે… તું એ બધાંની સાથેને સાથે રહેજે… તને જરાય એકલું નહીં લાગે… તને બસ, મઝા જ મઝા પડતી રહેશે !
***
છેલ્લાં 75 વરસથી આવા આંધળાઓ કરોડો અજાણ્યાં પ્રાણીઓ સામે ‘દાણા’ નાખ્યા કરે છે. હજી સુધી એમાંથી કોઈને એ જાણવાની પરવા નથી કે આખરે આ પ્રાણીઓ છે કોણ ? અને એમને જોઈએ છે શું ?
-જોકે હકીકત એ પણ છે કે પેલા આંધળાઓ બરોબર જાણે છે કે સચ્ચાઈ શું છે ! પરંતુ એ લોકો પોતાના કાળા ચશ્મા ઉતારીને કશું જોવા જ નથી માગતા.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment