અમે કોલેજમાં ભણતા હતા ત્યારે ‘હોરર ઓફ ડ્રેક્યુલા’ નામની ફિલ્મ આવેલી. આની પહેલાં ઇન્ડિયાની પ્રજાએ હોરર નામે ફક્ત ‘બીસ સાલ બાદ’ જોયેલી. (એને ય એ વખતે ‘બીસ સાલ પહલે’ જેવું થઈ ગયેલું.) આ ડ્રેક્યુલાને જોઈને લોકો બહુ ફફડી જતા હતા. જોકે મને તો આ ફિલ્મમાં કંઈ બીવા જેવું લાગ્યું જ નહોતું. ઉલ્ટું, કંઈ કેટલીયે વાતે હસવું આવતું હતું.
પહેલો વિચાર તો બોસ, એમ આવે કે આ હાડા-છ ફૂટિયો ડ્રેક્યુલો કઈ કમાણી ઉપર આવડો મોટો મહેલ બાંધીને બેઠો છે ? શું એના બાપની હાડપિંજરોમાંથી પાવડરો બનાવવાની ફેકટરીઓ ચાલતી હતી ? શું એ ભઈ લોકોનાં લોહી ચૂસી ચૂસીને બ્લડ-બેન્કોમાં બ્લેકમાં વેચતો હતો ?
અને ભઈ, તેં આવડો મોટો મહેલ છેક ઊંચા પહાડની ટોચ ઉપર શું કામ બનાવ્યો છે ? આટલે ઊંચે તારા માટે નહાવાનું પાણી શી રીતે ચડતું હશે ? (એ જમાનામાં તો મોટરો પણ નહોતી.) જોકે પછી મને થયું કે આ હાળો ગંધારો ડ્રેક્યુલો નહાતો જ નહીં હોય !
પણ બોસ, એવું યે નહોતું. એ મારો બેટો નીચે શહેરોમાં જઈને ડાન્સ ક્લબોમાં મસ્ત બોલ-ડાન્સ કરતાં કરતાં બૈરાંઓને પટાવતો હતો ! મતલબ કે બેટમજી કાં તો નહાવા માટે છેક નીચે આવતો હશે કાં તો રોજ ડોલે ડોલે પાણી ભરીને છેક પહાડની ટોચ સુધી પર્વતારોહણ કરતો હશે ! હા, એણે ઘોડાવાળી બગી પણ રાખેલી. એટલે કદાચ મહિને એકાદ વાર પાણીનું ટેન્કર ભરીને પોતાના મહેલમાં લઈ જતો હશે !
બીજો સવાલ મને એ થાય કે અલ્યા, આવડો મોટો તારો મહેલ છે, બાવીસ બેડરૂમ અને બાર બાથરૂમ છે, ચાર કિચન ને ચોવીસ બાલ્કનીઓ છે… તો એ બધાંની સાફસફાઈ કોણ કરે છે ? ઘરમાં કોઈ દહાડો કોઈ નોકર-ચાકર તો દેખાતાં જ નથી ! કે પછી એ ડ્રેક્યુલો જાતે જ ‘આત્મનિર્ભર’ થઈને બધું ‘ધૂળજીકાર્ય’ કરતો હશે ?
ચાલો, માની લઈએ કે ડ્રેક્યુલાએ આ બધું કામકાજ કરવા માટે બે ચાર ડઝન ભૂતડાં પાળી રાખ્યાં હશે પણ બોસ, તમે જોયું ? બંગલામાં ચામાચિડીયાં કેટલાં બધાં છે ? સાલાં, ભૂતડાંય કંટાળી જાય એમની હગારો સાફ કરી કરીને !
જોકે આ બધા કરતાં પણ સૌથી મોટો સવાલ એ થાય કે આ ડ્રેક્યુલો હંમેશા બૈરાંઓનું જ લોહી કેમ પીતો હશે ? મને તો પુરેપુરો ડાઉટ છે કે એનું પહેલું બૈરું એનું રોજેરોજ એટલું લોહી પીતું હશે (બિચારો એ અગાઉ ભલો માણસ હશે) કે બૈરાના ત્રાસથી જ ડ્રેક્યુલા બની ગયો હશે ! અને ચલો, એમ હોય તો ય સમજ્યા, પણ ડઝન બે ડઝન બૈરાંના લોહીઓ પીવા છતાંય એને કેમ શાંતિ નહીં થઈ હોય ? (એક તો એ જમાનામાં ફેમિલી કોર્ટો નહોતી, એટલે બિચારો ફરિયાદ પણ ક્યાં જઈને કરે ?)
અચ્છા, તમે બીજી એક વાત માર્ક કરી ? આ ડ્રેક્યુલો આવડા મોટા મહેલનો માલિક છે છતાં રાતના ઊંઘવા માટે ક્યાં જાય છે ? એ ડોબાએ મહેલના ભોંયરામાં કોફીન રાખી મુક્યું છે ! સાવ અક્કલનો બારદાન જ છે ને ? રોજ પોતાની જ શબપેટીમાં જઈને ઊંઘી જાય છે !
અલ્યા, આટલા બધા પૈસા છે તો ઈવડીક અમથી પેટીમાં શું કામ સુએ છે ? ઊંઘમાં પડખું યે ના ફરી શકાય ! ઉપરથી અડધી રાત્રે પેશાબ લાગે તો જફા કેટલી ? પેલી લાદી જેવા છ ફૂટ બાય બે ફૂટના પથ્થરને હટાવવાનો, બહાર નીકળવાનું, ત્રણ દાદરા ચડીને છેક પહેલા માળના બાથરૂમમાં થઈને એના એટેચ બાથરૂમમાં પહોંચે… ત્યારે જ ‘હાશ’ થાય !
બીજી એક વસ્તુ તમે માર્ક કરી ? આ ડ્રેક્યુલો હકીકતમાં એક રાજકીય પાર્ટી સ્થાપવાના ચક્કરમાં હતો ! એ બૈરાઓને મહેલમાં લાવીને એમનાં ગળામાં કાણાં પાડીને પહેલાં એમનું લોહી ચૂસી લેતો હતો. પછી ધીમે ધીમે એ બૈરાંઓને બીજાં બૈરાનું લોહી પીવાનું શીખવાડી દેતો હતો ! (એટલા માટે જ તો મહેલમાં જેટલાં બેડરૂમો હતા એટલાં જ ભોંયરામાં પથ્થરના કોફીનો હતાં.)
ડ્રેક્યુલાનું પ્લાનિંગ એવું હતું કે આગળ જતાં દુનિયાનાં બૈરાં જ બૈરાંઓનું લોહી પીતાં થઈ જાય ! એમ કરવાથી આખા વર્લ્ડમાં મોટા પાયે પક્ષપલટો થઈ જાય ! તમે જસ્ટ વિચાર કરો… આ માણસ પોતાની લોહી પીનારી બૈરીથી કેટલો દાઝેલો હશે ?
- પણ ભૈ, એમ કંઈ દુનિયાનાં બૈરાં ગાંઠતાં હશે ? શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
ધ્યાન રાખજો ; આ ડ્રેક્યુલા દર વરસે, ખાસ દિવસે એના મહેલમાં સાક્ષાત 'સદેહે' આવે છે ત્યારે ત્યાં ઘણાં જીવિત લોકો પણ હાજર હોય છે. તમારો કોઈ ચાહક, આ લેખની પ્રિન્ટ લઈને એને બતાવે અને એને એની ભાષામાં સમજાવે તો ઉપાધિ આવી પડે !
ReplyDelete😝😂
Deleteચેતવણી બદલ આભાર ! બસ, એટલો ઉપકાર કરજો કે ત્યાં હાજર રહીને તમે દુભાષિયા ના બનતા !! 😄😄😄
Delete