એક મીઠાઈવાળાની દુકાન છેલ્લા 20-25 વરસથી ધમધોકાર ચાલતી હતી.
અચાનક એક દિવસ તેણે દૂર ડાબી તરફની દૂરની ગલીમાં લાગેલા માઈકના ભૂંગળામાંથી અવાજ સાંભળ્યો : ‘500 રૂપિયે કિલો… તમામ મીઠાઈ મળશે… ફક્ત 500 રૂપિયે કિલો…’
દુકાનવાળો ગભરાયો. તેને થયું આ તો ભારે પડશે ! હજી એ કંઈ વિચારે એ પહેલાં તો જમણી તરફની દૂરની ગલીમાં લાગેલા માઈકના ભૂંગળામાંથી બીજો અવાજ આવ્યો :
‘અમારી દુકાને પણ… માત્ર 500 રૂપિયે કિલો… તમામ મીઠાઈઓ મળશે.. 500 રૂપિયે કિલો…’
દુકાનદારે તરત જ પોતાની દુકાને પાટિયું માર્યું : ‘તમામ મીઠાઈઓ 450 રૂપિયે કિલો !!’
હજી આ વાતને બે દિવસ થયા ત્યાં તો ડાબી ગલી અને જમણી ગલી બન્ને બાજુનાં ભૂંગળામાંથી અવાજ આવવા લાગ્યો :
‘તમામ મીઠાઈઓ મળશે માત્ર 400 રૂપિયે કિલો… માત્ર 400 રૂપિયે કિલો.....’
દુકાનદાર ચિંતામાં આવી ગયો. તેને થયું, આ રીતે તો ઘરાકી તૂટી જશે છતાં તેણે પણ નવું બોર્ડ લગાડ્યું :
‘તમામ મીઠાઈઓ માત્ર 350 રૂપિયે કિલો !!’
જોકે હજી એ વાતને બીજા ચાર પાંચ દિવસ થયા ન થયા, ત્યાં તો ડાબી ગલી અને જમણી ગલીમાં ગોઠવેલાં માઈકનાં ભૂંગળામાંથી મોટે મોટેથી જાહેરાતો થવા લાગી :
‘તમામ મીઠાઈઓ અમારી દુકાનેથી મળશે માત્ર 300 રૂપિયે કિલો !!.. માત્ર 300 રૂપિયે કિલો !!’
હવે તો દુકાનદાર ખરેખર ટેન્શનમાં આવી ગયો ! તે આ બન્ને નવા મીઠાઈવાળાને શોધવા નીકળ્યો. જઈને જોયું તો પેલા બન્ને જણા એક પાનના ગલ્લા પાસે નવરા બેઠા માવો ખાઈ રહ્યા હતા !
દુકાનદારે એમને કહ્યું ‘તમને 300 રૂપિયે કિલો મીઠાઈ પોષાય છે શી રીતે ? આમાં તો મીઠાઈની ક્વોલિટી જ બગડી જાય !’
પેલા બન્ને હસતાં હસતાં કહે ‘ભાઈ, મીઠાઈ બનાવવાની હોય તો પોષાય ને ? અમારી તો કોઈ દુકાન જ નથી !’
‘હેં ?’
‘હા ! હજી તો લાયસન્સ માટે અરજી કરી છે ! લાગી જાય તો ઠીક ! એ પછી જોયું જશે !’
(ખાસ નોંધ : આ વાર્તાને ગુજરાતના આજકાલના રેવડી કલ્ચર પોલિટિક્સ સાથે કોઈ લેવાદેવા નથી.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment