આપણે ત્યાં આપણા વડાપ્રધાન સાહેબ ઉપર તો ગણીને એકમાત્ર ફિલ્મ બની છે. (PM નરેન્દ્ર મોદી) અને છેક હમણાં હમણાં આપણા જુના વડાપ્રધાનોને ફિલ્મમાં થોડીક ઝલક માટે ‘મહેમાન કલાકાર’ની જેમ દેખાડતા થયા છે. બાકી હોલીવૂડમાં તો કમ સે કમ 25 એવી ફિલ્મો બની છે જેની મેઈન સ્ટોરી જ અમેરિકન પ્રેસિડેન્ટની આસપાસ ફરતી હોય ! એમાં JFK અને LINCOLN જેવી બાયો-પિક તો સમજ્યા પણ એ સિવાય એમના પ્રેસિડેન્ટોની પાસે એમણે કેવાં કેવાં નાટકો કરાવ્યાં છે !
તમે જોજો, એમનું વ્હાઈટ હાઉસ તો જાણે બોડી બામણીનું ખેતર હોય એમ કમ સે કમ અડધો ડઝન ફિલ્મોમાં વ્હાઈટ હાઉસ ઉપર જ હૂમલો થતો બતાડે છે ! એમાંય વળી અમુક ફિલ્મોમાં તો બોસ, પેલો પ્રેસિડેન્ટની સિક્યોરીટીનો ઓફિસર જ ફૂટેલો હોય !
જરા વિચારો, આપણે ત્યાં આવું કંઈક બતાડે તો શું એ ફિલ્મ સેન્સરમાં પાસ થાય ખરી ? અને ધારો કે પાસ થઈ ગઈ તો આજે દેશપ્રેમીઓ એને થિયેટરો સુધી પહોંચવા દે ખરા ?
ચાલો, એ છોડો. અમને તો એમ હતું કે ઠીક મારા ભઈ, હોલીવૂડવાળાને કોઈ સ્ટોરીઓ નહીં સુઝતી હોય એટલે ‘વ્હાઈટ હાઉસ ખતરે મેં હૈ’ ટાઇપની ફિલ્મો બનાવી નાંખી. પણ બોસ, પેલા ટ્રમ્પ સાહેબ ચૂંટણી હારી ગયા પછી જે રીતે જંગલી જેવા દેખાતા લોકોનું ટોળું એમની સંસદના બિલ્ડીંગમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યું હતું એ જોઈને અમને થયું : ‘લો, અહીં રિયલમાં આવું થઈ જાય, તો ફિલ્મોમાં તો થાય જ ને ?’ બોલો, ખોટી વાત છે ?
હોલીવૂડની બે ત્રણ ફિલ્મો એવી છે જેમાં ખુદ પ્રેસિડેન્ટ સાહેબ કંઈ જોજનો દૂરની ગેલેક્સીમાંથી આવી ચડેલા પરગ્રહવાસીઓની ઉડતી રકાબીઓ સામે ફાઈટર જેટ વિમાનમાં બેસીને જાતે જ ‘ઢીશૂમ ઢીશૂમ’ કરવા નીકળી પડે છે !
અલ્યા, આપણને થાય કે પ્રેસિડેન્ટને પોતાને પોતાના એર-ફોર્સ ઉપર સાવ આટલો ઓછો ભરોસો હોય ? ના ના, તમે જ વિચાર કરો, બાલાકોટ ઉપર બોમ્બમારો કરવા માટે મોદી સાહેબ જાતે વિમાન લઈને ઊડ્યા હોય તો કેવું લાગે ? (પંજાબમાં જરીક અમથી ચૂક થઈ હતી એમાં તો સિક્યોરીટીનાં માથે બાવીસ મણ માછલાં ધોવાઈ ગયાં હતાં.)
હોલીવૂડની ફિલ્મો જોઈને અમને ક્યારેક વિચાર આવે કે યાર, અમેરિકન પ્રેસિડેન્ટનું કિડનેપ કરવાનું પણ કેટલું સહેલું છે ? (આવી ફિલ્મો પણ અડધો ડઝન આવી ગઈ.) એમાંય સાલું, આપણે દાઢી ખંજવાળતા ત્યારે થઈ જઈએ, જ્યારે ખબર પડે કે બોસ, પ્રેસિડેન્ટને કીડનેપ કરીને એને મારી નાંખવાના કાવતરામાં એમનો વાઇસ પ્રેસિડેન્ટ જ મેઇન વિલન હતો ! કેમ ? કારણ કે છેલ્લી ત્રણ ટર્મથી એને પ્રેસિડેન્ટ થવું છે પણ ચાન્સ જ નથી મળ્યો ! (આના પરથી તમે હવે વિચારી લેજો કે હાલના પ્રેસિડેન્ટ બાઈડનના દિમાગમાં કેવું કેવું થયું હશે, આ ફિલ્મો જોઈને?)
પ્રેસિડેન્ટ ક્યાંક પ્રવાસે ગયા હોય ત્યારે એમનું મર્ડર કરી નાંખવાની કાલ્પનિક સોપારીઓ પણ ઘણી છે ! આપણને એમ થાય કે ભૈલા, શાંતિ રાખો ને ? ત્યાંના બંધારણ મુજબ મેક્સિમમ આઠ જ વરસ એને સહન કરવાનો છે ! અહીં ઇન્ડિયા જેવું થોડું છે કે જવાહરલાલ નહેરુ જેવા અઢાર અઢાર વરસ લગી ખુરશી ઉપર ચોંટી જ રહે ?
અને બકા, મર્ડર જ કરવું હોય તો ખુલ્લેઆમ શા માટે શૂટરને કોઈ બિલ્ડીંગના ધાબે ચડાવે છે ? અમારા લાલબહાદુર શાસ્ત્રીની જેમ ગેસ્ટ હાઉસમાં સૂવાડીને ઊંઘમાં જ પતાવી દે ને ?
અચ્છા, હોલીવૂડે તો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટોને પણ નથી છોડ્યા. એક ફિલ્મમાં એકબીજાના સગા દુશ્મનો હોય એવા બે એક્સ-પ્રેસિડેન્ટો કોઈ ખાસ પ્રસંગે દોઢ-ડાહ્યા ના થાય એટલા માટે એમના હેલિકોપ્ટરોને કોઈ અજાણ્યા જંગલમાં ‘ક્રેશ’ કરાવી નાંખે છે ! પછી એ બન્ને ડોસાઓ એકબીજા સાથે લડતા ઝગડતા, પડતા આથડતા, રસ્તા શોધે છે ત્યારે ખબર પડે છે કે હાલના પ્રેસિડેન્ટની હત્યા થોડા કલાકોમાં જ થવાની છે ! આમાં પણ અમેરિકાની માશીઓ અને ફોઈઓ જેવી FBI અને CBI બગાસાં ખાતી રહે છે અને આ બે વડીલો ખૂનીને ‘રંગે હાથ’ પકડી પાડે છે ! બોલો.
જોકે આ બધી ફિલ્મો તો સમજ્યા, પણ અંગત રીતે અમે એ ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ જેમાં બિલ ક્લિન્ટન પેલી મોનિકા લેવિન્સકી જોડે ‘કામલીલા’ કરતા હોય !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Waah!
ReplyDelete