સમાચાર
એશિયા કપમાં હોંગકોંગની ટીમ માત્ર 38 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જેમાં સૌથી વધારે સ્કોર તો એકસ્ટ્રાનો હતો… 10 રન !
વઘાર
હોંગકોંગના યુવા ક્રિકેટરો હવે ‘એકસ્ટ્રા’ ખેલાડી બનવાની ટ્રેનીંગ લેવા માગે છે !
***
સમાચાર
દાઉદ ઇબ્રાહિમ ઉપર UN દ્વારા ઓલરેડી 199 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર થયેલું છે. હવે ભારતની NIA એ દાઉદ માટે 15 લાખનું ઇનામ જાહેર કર્યું છે.
વઘાર
એક મિનિટ, આમાં તો એવું લાગે છે કે જાણે UN દાઉદનું ‘સન્માન’ કરી રહ્યું છે અને NIA ‘અપમાન’ કરી રહ્યું છે !
***
સમાચાર
આ વરસે કોમર્સ કોલેજોમાં 10,000 સીટો અને એન્જિનિયરીંગ કોલેજોમાં 15,000થી વધુ સીટો ખાલી પડી છે.
વઘાર
સારી વાત છે. આંકડાઓ જોતાં લાગે છે કે નજીકના ભવિષ્યમાં ‘બેરોજગાર કોલેજોની’ સંખ્યા ઘટતી જશે !
***
સમાચાર
ઓગસ્ટ મહિનામાં 35 લાખ કારોનું વેચાણ થયું છે, જે આખા વરસનું હાઈએસ્ટ છે.
વઘાર
જોયું ? સરકાર રસ્તાઓમાં ભલે ગમે એટલા ખાડા પાડતી રહે…. પ્રજા તો જાતે જ ખાડામાં પડવા તૈયાર છે !
***
સમાચાર
રાજકોટમાં ઢોર પકડનારી ટીમ ઉપર 70 બાઈકસવારો ગોરીલા પધ્ધતિથી હુમલાઓ કરીને નાસી જાય છે.
વઘાર
અમારી અપીલ છે કે એ શૂરવીર યોદ્ધાઓને પોતાની સેવાઓ માટે કાશ્મીર અને ચીનની સરહદે મોકલી આપવા જેવા છે.
***
સમાચાર
નવા અટલ બ્રિજ ઉપર પાનમસાલાની પિચકારીઓ મારવાને કારણે હવે બ્રિજ ઉપર જવા માટે 30 રૂપિયાનો ચાર્જ લાગશે.
વઘાર
જાહેર જનતાએ પેલા ચાર પાંચ થૂંકણિયાનો આભાર માનવો જોઈએ ! કે હવે માત્ર બે જ વરસમાં બ્રિજના પૈસા જનતા ચૂકવી આપશે ! આને જ કહેવાય… ‘આત્મનિર્ભર’ ભારત !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment