નવરાત્રિનું 'ત્રાસ-લિસ્ટ' !

એક તો માંડ માંડ બે વરસ પછી બિન્દાસ થઈને નવરાત્રિ ઉજ્વવાનો મોકો મળ્યો છે ત્યાં અમુક જુની અને જાણીતી નુકસાની આઈટમો ગમે ત્યાંથી આપણાં લમણાંની નસ ખેંચવા હાજર જ હોય છે ! પ્રસ્તુત છે એનું એક ‘ત્રાસ-લિસ્ટ’…

ત્રાસ નંબર એકનાં અપશુકન આપણને પાર્ટી પ્લોટના પાર્કિંગ એરિયામાં જ થઈ જાય છે. 

એક તો મેદાનથી દોઢ કિલોમીટર દૂર કોઈ ખાલી ખેતરમાં પહોંચવાનું હોય, રસ્તા ખાડા ખડિયાવાળા હોય, ધૂળો ઉડતી હોય… એવી ‘રફ-ટેરેન’ રેલીમાં ભાગ લીધા પછી માંડ માંડ સાત ચક્કર માર્યા પછી આપણે જગ્યા શોધીને વાહન પાર્ક કરીને, ચાવી બહાર કાઢીને, આપણી કમર સીધી કરતા હોઈએ… ત્યારે જ કોઈ ગુપ્ત ઠેકાણે સંતાઈને બેઠેલો પેલો સિક્યોરીટીવાળો તેનો ડંડો ઝંડાની જેમ હલાવતો આવશે અને કહેશે : ‘ઓ… અહીં નહીં… ત્યાં પાર્ક કરો !’

ત્રાસ નંબર બે આપણા વડીલો છે ! 

એક તો બબ્બે વરસ સુધી ઘરમાં બેસી રહ્યા પછી આ વરસે એમને બધું જ માણી લેવાના અભરખામાં બમણી સાઈઝના ઉભરા આવી જ રહ્યા હોય, એમાં એમને ખબર પડે કે તમારી પાસે ફલાણી ફલાણી જગ્યાના પાસ આવ્યા છે એટલે દિવસમાં દસ વાર રિમાઈન્ડર ફટકારશે કે ‘મને સાથે લઈ જવાનું ભૂલતો નહીં હોં !’

તમે તમારા કોઈ ખાસ ફ્રેન્ડ (અથવા રૂપાળી કંપેનિયન)નું પત્તું કાપીને વડીલને એડજસ્ટ કરો, એમને જોડે બેસાડીને લઈ જાવ, હાથ પકડીને એમને બેસ્ટ વ્યુ મળે એવા ઠેકાણે બેસાડો પણ ખરા… પણ હજી અડધો કલાક ના થયો હોય ત્યાં એમનાં કલ્ચરલ રોદણાં ચાલુ થઈ જશે : 

‘જુઓને, કેવાં કેવાં કપડાં પહેર્યાં છે ? કેવા કેવા ગાયનો ચાલી રહ્યા છે ? કેવાં વિચિત્ર ‘સ્ટેપ્સો’ લે છે ?... અરેરે… આપણા સંસ્કારો કેટલા બગડતા જાય છે ?’

હજી આ ત્રાસ ઓછો હોય તેમ આપણે જ્યાં ગરબાના સર્કલમાં માંડ માંડ રિધમમાં સેટ થઈને 16 સ્ટેપવાળાં, 18 સ્ટેપવાળાં ગરબામાં ‘મગન’ થઈ ગયા હોઈ ત્યાં જ કોઈ સાવ તીતીઘોડાની જેમ ઉછળતો ‘છગન’ તમારી આગળ પાછળ એવી રીતે અથડાવા લાગશે કે તમને ત્યાંને ત્યાં નાચતાં નાચતાં ‘સીટ-બેલ્ટ’ પહેરીને પોતાની ‘સેફ્ટી’ કરી લેવાનું મન થવા લાગશે !

એમ તો ગરબામાં ડીજેનો ત્રાસ પણ કંઈ ઓછો નથી. એક તો જથ્થાબંધના ભાવમાં લોકોનાં કાન ફાડવાની સોપારી લીધી હોય એટલા ઊંચા અવાજે ગરબા વગાડશે, છતાં હજી તમે બધા એક સાથે એક એકશનમાં સેટ થાઓ ના થાઓ ત્યાં તો અચાનક કોઈ ભલતી જ રિધમવાળું ભલતું જ ‘ડિસ્કો’ ગાયન વગાડવા માંડશે ! 

એટલું જ નહીં, રિધમ તૂટવાથી ખેલૈયાઓનું ટોળું અચાનક મધપૂડા ઉપર કાંકરીચાળો થયો હોય અને મધમાખીઓ જે રીતે વિખેરાઈ જાય એ રીતે સૌને બણબણતા ગુસ્સાથી સણસણતા જુએ, ત્યારે મારો બેટો ડીજેવાળો ખુશ પણ થતો હોય ! બોલો.

એમ તો ગર્લફ્રેન્ડનો ત્રાસ પણ કંઈ કમ નથી હોતો. ભોળા છોકરાઓને પૂછી જોજો. 

મીઠાં મીંઠાં સ્માઈલો આપીને, ‘સ્વીટુ-જાનુ-બડી’ જેવાં લટુડાપટુડા કરીને સારામાં સારી જગ્યાના પાસ મંગાવશે, છોકરાની બાઈક પાછળ પણ બેસશે, પાર્ટી પ્લોટ સુધી પહોંચે ત્યાં લગી હસી હસીને વાતો પણ કરશે… પણ જેવી અંદર જશે કે તરત એ ભોળિયા બબૂચકને પડતો મુકીને બીજા બીજા ‘હેન્ડસમડાઓ’ જોડે ગરબા રમવા જતી રહેશે !

અરે, બોયફ્રેન્ડો પણ એટલા જ ગિલિન્ડર હોય છે !

શહેરથી દૂર દૂરના પાર્ટી પ્લોટમાં ગરબા રમવા તો લઈ જશે પણ પાછા આવતી વખતે એના ઠાઠીયું બાઈક ‘પેટ્રોલ-વિહોણું’ થઈ જાય ત્યારે નાજુક નમણી ગર્લફ્રેન્ડ પાસે ધક્કા મરાવશે ! 

ના ચાલે ને ?

અને હા, રાત્રે બે વાગે તમને પાપડી-ચાટ ખાવા માટે લઈ જશે ! પછી છેલ્લે છોકરી ઓડકાર ખાતી હોય ત્યારે ખિસ્સાં ફંફોળીને કહેશે : ‘યાર, મારું ક્રેડિટ કાર્ડ તો ઘરે રહી ગયું ! તું ફોનથી ‘જી-પે’કરી દેને !'

બાકી ઓલ ઓવર ગુજરાત, તમામ ત્રાસ ઉપર સુપર ત્રાસનો વઘાર થતો હોય એવો ત્રાસ પોલીસનો છે. જ્યારે બધું બરોબર જામ્યુ હોય ત્યારે જ આવીને કહેશે : ‘ચલોઓઓ…. બંધ કરોઓઓ…’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments