નવરાત્રિની પાસ-સ્તુતિ !

બે વરસ પછી શરૂ થયેલી નવરાત્રિમાં પાસનો મહિમા હજાર ગણો વધી ગયો છે ! બિચારા પાસ-ભક્તો કંઈક આવી સ્તુતિઓ ગાઈ રહ્યા છે… 

*** 

સ્પોન્સરધણી અખિલ પાસ
તણી જનેતા,
આ નોરતે પ્લીઝ ના કરો
કોઈ ફજેતા…
પાસ તણી સદ્બુદ્ધિ સૌને આપો
મામ્ પાહિઓ પાસદાતા
થોડા પાસ આપો…!

***  

ભૂલો પડી હું ભટકું છું
ઘાંઘો ઘાંઘો
સુઝે નહીં લગીર કોઈની
યે ઓળખાણો…
ભાસે ભયંકર પાસ તણા આ ‘ભાવો’
મામ પાહિ ઓ પાસદાતા
થોડા પાસ આપો… !

*** 

આ રંકને રખડવા નથી
કોઈ સ્કુટી,
ગર્લફ્રેન્ડ હતી જે એ ય
ગઈ છે છૂટી..
ના શું સુણો વાંઢા સમા વિલાપો
મામ્ પાહિઓ પાસદાતા
થોડા પાસ આપો…!

*** 

ના બોસના ચમચાનું મેં
સન્માન કીધું,
ના પટાવાળાનું યે કોઈ 
ગાઈડન્સ લીધું…
ચરણે પડી નથી કર્યા કોઇ વિલાપો
મામ્ પાહિઓ પાસદાતા
થોડા પાસ આપો…!

*** 

એક તો મળ્યું તકદીરમાં
મોટું તગારું,
આ ગામમાં તુજ વિના નથી
કોઈ મારું…
કોને કહું વગર પાસનો બળાપો
મામ્ પાહિઓ પાસદાતા
થોડા પાસ આપો…!

*** 

હું માંડ તાળી-કૂદકાનાં
સ્ટેપ શીખેલો,
ઉછળી રહ્યો છું ધાબે જ
તીતીઘોડા જેવો…
ઉતરી રહ્યો છે ટણીદાર ફાંકો
મામ્ પાહિઓ પાસદાતા 
થોડા પાસ આપો…!

*** 

રે રે જવાની, બહુ ભૂલ
થઈ જ મારી,
આ નોરતાં કરશે મને
અતિશય ભિખારી…
ગર્લફ્રેન્ડ નહીં તો કોઈ આન્ટી આપો...

મામ્ પાહિઓ પાસદાતા
થોડા પાસ આપો…!

***

- મન્નુ શેખચલ્લી

Comments