અન્ય 'ટ્રુ પ્રાઈસ' સ્કીમો !

આ શુક્રવારે આખા દેશનાં મલ્ટિપ્લેક્સોએ ‘નેશનલ સિનેમા ડે’ના નામે ૨૫૦ રૂપિયાને બદલે માત્ર ૭૫ રૂપિયાની ટિકીટો ફાડીને બધાને ફિલ્મો બતાડી !

અમારા હિસાબે તો આ ‘ટ્રુ-પ્રાઈસ’ સ્કીમ જ છે ! બલ્કે આજકાલની ફિલ્મોની કિંમત તો એનાથી પણ ઓછી હોવી જોઈએ !

જોકે બીજી પણ ઘણી જગ્યાઓ છે જ્યાં ‘ટ્રુ-પ્રાઈસ’ની જરૂર છે ! જેમકે…

*** 

મલ્ટિપ્લેક્સોમાં કોક દહાડો આખા દેશમાં સૌને 150 રૂપિયાના પોપ-કોર્ન 15 રૂપિયામાં આપોને !

*** 

એ જ રીતે 120 રૂપિયાના સમોસા તમે 12 રૂપિયામાં પણ કોક દહાડો, આપી તો જુઓ ?

*** 

BCCIને વિનંતી કે એકાદ ‘નેશનલ ક્રિકેટ ડે’ રાખો, જેમાં આખા દેશનાં સ્ટેડિયમોમાં માત્ર 30-30 રૂપિયાની ટિકીટો હોય…
એ દિવસે પાર્કિંગ ‘ફ્રી’ હોય…
અને સ્ટેડિયમમાં પાણીની બોટલો પણ 10-10 રૂપિયામાં જ મળતી હોય !

*** 

એકાદ ‘નેશનલ હાઈવે ડે’ પણ રાખો, ગડકરી સાહેબ ! જે દિવસે દેશના તમામ હાઈવે ઉપરનાં ગાબડાં ભલે ના પુરો પણ એક દિવસ માટે ટોલ-ટેક્સ અડધો જ વસુલ કરો ! ખોટમાં નહીં રહો, સાહેબ…

*** 

એમ તો એકાદ દિવસ ‘નેશનલ પેટ્રોલિયમ દિવસ’ મનાવીને પેટ્રોલ 50 રૂપિયે લિટર વેચો ને ? અમે ચોવીસ કલાક પહેલેથી લાઈનમાં લાગી જઈશું !
(હકીકતમાં તો એ દિવસને ‘નો અન-નેસેસરી ટેક્સ-ડે’ તરીકે ઉજ્વવો જોઈએ.)

*** 

અને હા, એક દિવસ અમદાવાદમાં જે નવો વોક-વે બ્રિજ બનાવ્યો છે એની ફી 3 કલાકના 3 રૂપિયા રાખજો ! અમે પાનની પિચકારીઓ નહીં મારીએ !

આટલું તો અમારું માન રાખો, મોદી સાહેબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments