ઘણીવાર સમાચારો એવા હોય છે કે ઉતાવળમાં વાંચી ગયા પછી જરીક ચિત્તભ્રમ થઈ જાય છે કે… એ શું હતું ?
વાંચો થોડા નમૂના…
***
વૈજ્ઞાનિક સંશોધનોના લાંબા ગાળાના પ્રયોગો પછી વૈજ્ઞાનિક એવી ધારણા ઉપર આવ્યા છે કે ઊંઘતી વખતે માણસની આંખો ઘણીવાર બંધ થઈ જતી હોય છે.
***
ઉદ્યોગમંત્રીએ જણાવ્યું છે કે નફો કરી રહેલી અમુક સરકારી કંપનીઓને હવે તબક્કાવાર ખોટમાં લઈ જવાની યોજના લગભગ તૈયાર થઈ ગઈ છે.
***
નાણાંમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે દેશમાં નાણાંની અછત ઊભી કરવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી છૂટશે.
***
છેલ્લા દોઢ મહિનામાં રસ્તે રખડતાં કુલ 1227 ઢોરને પકડવામાં આવ્યા હતા. આમાંથી લગભગ 1227 જેટલાં ઢોર ચાર પગવાળાં હોવાનું માલુમ પડ્યું હતું.
***
છીંક ખાતી વખતે માણસની આંખો કેમ મીંચાઈ જાય છે તેનાં કારણો શોધવા માટે હાથ ધરવામાં આવેલા સંશોધનમાં 23 દેશના કુલ 6754 લોકોનું ખાસ સાધનો વડે નીરીક્ષણ કર્યા પછી જાણવા મળ્યું છે કે છીંક ખાવાને કારણે જ માણસની આંખો બંધ થઈ જાય છે.
***
ઓસ્ટ્રેલિયન માસ્ટર શેફની ફાઈનલમાં પહેલા નંબરે રહીને વિજેતા બનેલા સ્ટીવ માર્કરને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે બનાવેલી શ્રેષ્ઠ વાનગી વિશે તમે શું માનો છો, ત્યારે માર્કરે જણાવ્યું હતું કે મારી શ્રેષ્ઠ વાનગી મને ખાસ ભાવતી નથી.
***
વિશ્વવિખ્યાત અમેરિકન ભવિષ્યવેત્તા હેલી રોબિન્સને જણાવ્યું હતું કે આવનારા સમયમાં શું થશે તે તો આવનારો સમય જ કહેશે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment