નામિબિયાથી લાવેલા આઠ ચિત્તાને મોદી સાહેબે મધ્યપ્રદેશના જંગલોમાં છૂટ્ટા મુક્યા એ વાતે જાતજાતનાં વખાણ અને મ્હેણાં ટોણાં થયાં છે ! એમાં થોડા ઉમેરા કરીએ…
***
મોદી સાહેબે ચિત્તાના જે ફોટા પાડ્યા એના વ્યુઝ ……..00
પણ ચિત્તાના ફોટા પાડતા મોદી સાહેબના ફોટાના વ્યુઝ ……. 10 મિલિયન !
***
મોદી સાહેબ ચિત્તાના ફોટા પાડતા હતા ત્યારે એક ચિત્તાએ પાછળ ફરીને જોયું અને કીધું : ‘સારા પાડજો હોં ? મારે ફેસબુકમાં મુકવાના છે !’
***
બીજા એક ચિત્તાએ ત્યાં ટોળું વળીને ઊભેલા ટીવીવાળાને જોઈને કીધું : ‘એક મિનિટ, હવે એમ ના પૂછતા કે, કૈસા લગ રહા હૈ !’
***
જંગલના રખેવાળોમાં એક ભાજપનો કાર્યકર હતો. તેણે ચિત્તાઓને ધીમેથી કાનમાં કહ્યું : ‘સાંભળો, જંગલ બદલવાનું મન થાય તો અમિતભાઈને કહેજો !’
ચિત્તાઓએ કીધું ‘અલ્યા, અમે અમિતભાઈ જોડે સેટિંગ પાડીને જ નામિબિયાથી અહીં આવ્યા છીએ !’
***
ચિત્તાઓનું જે ભવ્ય સ્વાગત થયું એ જોઈને એક ચિત્તો બોલી ઉઠ્યો : ‘આ તો સાલું ભાજપમાં જોડાયા હોઈએ એવું લાગે છે !’
***
કહે છે કે 70 વરસ પહેલાં ભારતમાંથી ચિત્તાઓની પ્રજાતિ ‘વિલુપ્ત’ થઈ ગઈ હતી. છેવટે હમણાં એને પુનર્જિવીત કરવામાં આવી…
- આ હિસાબે તો 70 વરસ પછી ક્યાંકથી કોંગ્રેસીઓને પણ ભારતમાં લાવવા પડશે !
***
ચિત્તાઓએ જંગલમાં જતાં જતાં મોદી સાહેબને કહેવડાવ્યું છે કે ‘ભવિષ્યમાં ફરી તમારી ઇમેજ નીચી જતી દેખાય તો કહેજો, નામિબિયામાં જીરાફ પણ છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment