પુરુષો માટે સ્ત્રી હંમેશા એક રહસ્ય સમાન રહી છે. તમે એ રહસ્યને ઉકેલવાની જેટલી વધારે કોશિશ કરો એટલા વધારે ગૂંચવાતા જશો…
દાખલા તરીકે અહીં આપેલી આ એક ‘ચેઈન’ વાંચી જુઓ !
***
સ્ત્રીઓ માટે ‘આર્થિક સલામતી’ સૌથી મહત્વની હોય છે. એટલે જ સ્ત્રીઓ પુરુષો સાથે લગ્ન કરે છે, રાઈટ ?
***
જોકે આર્થિક સલામતી મહત્વની હોવા છતાં સ્ત્રીઓ મોંઘાં મોંઘાં કપડાં અને સૌંદર્ય પ્રસાધનોની ખરીદી પાછળ ખર્ચો કર્યા જ કરે છે. રાઈટ ?
***
અને આટલાં મોંઘાં કપડાં ખરીદવા છતાં પણ કોઈ ખાસ પ્રસંગે એની પાસે કંઈ પણ ‘પહેરવા લાયક’ હોતું નથી ! રાઈટ ?
***
છતાં જુઓ, કશું પણ પહેરવા લાયક ના હોવા છતાં સ્ત્રી હંમેશાં ‘સરસ’ કપડાં પહેરશે. હંમેશાં ‘સરસ’ દેખાવાનો પ્રયાસ કરશે. રાઈટ ?
***
પણ તમે માર્ક કરજો, ‘સરસ’ કપડાં પહેરવા છતાં અને ‘સરસ’ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા છતાં એને કદી ‘સંતોષ’ નથી થતો કે પોતે ‘સરસ’ દેખાય છે. રાઈટ ?
***
હવે જોવાની વાત એ છે કે પોતાને ‘સંતોષ’ ન હોવા છતાં તે પુરુષ પાસેથી એવું સાંભળવાની આશા રાખે છે કે ‘તું કેટલી સુંદર દેખાય છે !’ રાઈટ ?
***
પરંતુ જ્યારે પુરુષ એવું કહે છે કે ‘તું સુંદર દેખાય છે !’ તો એ વાત ઉપર એને ‘ભરોસો’ બેસતો નથી ! રાઈટ ?
***
અને જો પુરુષ એવું કહે કે 'તું કંઈ એવી સુંદર નથી લાગતી.' તો એને ખોટું લાગી જાય છે.
**
ખોટું લાગ્યા પછી તે વધુ મોંઘા કપડાં ખરીદે છે, વધુ સૌંદર્ય પ્રસાધનો ખરીદે છે.. જેથી તે ‘સરસ’ લાગી શકે !
***
અને વધુ ખરીદી કરવા જતાં જ્યારે પૈસા ખૂટી પડે તો તે પુરુષને કહેશે કે ‘તમને પરણી છું ત્યારથી હું દુઃખી જ થઈ છું !’
***
હવે ફરી યાદ કરો… સ્ત્રી લગ્ન શેના માટે કરે છે ? ‘આર્થિક સલામતી’ માટે !! રાઈટ ??
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment