નવી નવી રેવડીઓ !

ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીઓ જોઈને રાજકીય પક્ષો જાતજાતની ‘રેવડી’નાં વચનો આપી રહ્યાં છે. એમને મદદરૂપ થઈ શકે એવાં ‘રેવડી-સુચનો’ અમારી પાસે પણ છે ! દાખલા તરીકે…

*** 

જો અમે સત્તામાં આવીશું તો ગુજરાતની તમામ મહિલાઓને દર મહિને 500 રૂપિયા ‘બ્યુટિ-પાર્લર ભથ્થું’ તરીકે આપીશું !

*** 

યુવાનો ચિંતા ના કરો… અમે સત્તામાં આવીશું તો 16 વરસથી ઉપરના દરેક યુવક યુવતીને 6 મહિનાનું ડેટા રિચાર્જ સરકાર તરફથી કરી આપવામાં આવશે !

*** 

18 વરસથી નાનાં કીશોર-કિશોરીઓ ભલે મતદાન ના કરવાનાં હોય છતાં એમનાં મા-બાપ એમને ‘સ્પોર્ટ્સ’ માટે ઉત્તેજન આપી શકે એટલા માટે ‘મોબાઈલ ગેઈમ્સ’ રમવા માટે દર મહિને 100 રૂપિયાનો ડેટા ફ્રીમાં આપીશું !

*** 

કોલેજિયનો તમે તો હવે બિલકુલ બેફિકર થઈ જાવ ! કેમકે અમે સત્તામાં આવીએ કે તરત દરેક કોલેજના વિદ્યાર્થીને દરેક એક્ઝામમાં 15-15 માર્ક સરકાર તરફથી ફ્રીમાં આપવામાં આવશે !

*** 

પાન-મસાલા તથા માવો ખાતા યુવાનો માટે પણ ‘રેવડીઓ’ છે ! (ખાસ કરીને સૌરાષ્ટ્રના યુવાનો માટે ) જો તમે પાન-મસાલો કે માવો ખાઈને ગમે ત્યાં પિચકારી મારી હોય તેના ફોટા કે વિડીયો રજુ કરશો તો રોજના 30 રૂપિયા ‘માવા-ભથ્થું’ તરીકે મળશે !

*** 

એ જ રીતે દરેક શહેરની મ્યુનિસિપાલિટીને ‘પિચકારી-સફાઈ યોજના’ હેઠળ લાખો રૂપિયાની સફાઈ-સહાય આપવામાં આવશે ! (કેમ કે વિધાનસભા પછી કોર્પોરેશનોમાં પણ ચૂંટણી આવશે જ ને ?)

*** 

અને હા, દર વરસે ગુજરાતના દરેક નાગરિકને રોડમાં પડી ગયેલા ખાડાને લીધે થતી પીડામાં સહાયરૂપે ‘મણકા-રિપેરિંગ ભથ્થું’ 6000 થી 10000 જેટલું આપવામાં આવશે ! (જેવા તમારા ખાડા અને જેવા તમારા મણકા !)

***

- મન્નુ શેખચલ્લી

Comments