યુરોપનો ' મોંઘો' દુકાળ !

આપણે ત્યાં હજી વરસાદ અટકવાનું નામ નથી લેતો પણ કહે છે કે આખા યુરોપમાં આ વરસે છેલ્લો 150 વરસમાં ના પડ્યો હોય એવો ‘દુકાળ’ પડ્યો છે !

પરંતુ યુરોપના દેશો તો અતિ ધનવાન છે. તો જરા કલ્પના કરો, ત્યાં પાણીની બચત કરવા માટે શું શું કરતા હશે ?

*** 

યુરોપના અમુક દેશો ટુંક સમયમાં જાહેરાત કરશે કે પાણીની તંગીના કારણે જે ધોળિયાઓ 10-10 દહાડા સુધી નહાશે નહીં તેને સરકાર મફતના ભાવે ભીના ટીશ્યુ પેપર આપશે !

*** 

ત્યાંના જાહેર શૌચાલયોમાં (ત્યાં તો ‘પબ્લિક યુટિલીટી એરિયા’ કહેવાય ને?) પાણી તો આવતું જ નહીં હોય ! કેમ કે સીધી વાત છે, ઇન્ડિયાનો દેશી માણસ જો ‘ખેતર’માં જાય તો માંડ એક લોટો પાણી વાપરે છે પણ યૂરોપનો સુધરેલો માણસ ‘વોશ-રૂમમાં’ માત્ર પીપી કરે એમાં તો એક ડોલ ભરાય એટલું પાણી ફ્લશ કરી મુકે છે !

*** 

આ જ કારણસર યુરોપમાં જેને જેને લાંબી કબજિયાતની તકલીફ હોય એવા દરદીઓનું સરકાર ખાસ ખિતાબ વડે સન્માન કરશે… ‘ધ નેચરલ વોટર-સેવર !’

*** 

વેનિસ નામના શહેરમાં જ્યાં બારેમાસ પાણીથી છલોછલ નહેરોમાં સહેલાણીઓ બોટમાં ફરતા હોય છે એ કેનાલો સુકાઈ ગઈ હશે એટલે એનાં નામો ‘કોરી-કટ કેનાલ’ જેવાં રાખવામાં આવશે !

*** 

વેનિસની પાણી વિનાની કેનાલોમાં હવે બોટના બદલે સાઈકલો ફરતી દેખાશે !

*** 

યુરોપના દારૂના બારમાં પણ પાણીનો વપરાશ ઘટે એના માટે ‘ઓન ધ રોક્સ’ ડ્રીંક્સ (બરફ સાથેની શરાબ)નો ભાવ 20 ટકા વધારી દેવામાં આવશે, જેથી લોકો બરફની બચત કરી શકે !

*** 

અને હા, જો યુરોપનો દુકાળ આ જ રીતે આવનારાં વરસોમાં ચાલુ રહ્યો તો ત્યાં કોઈ નેતા ચૂંટણીમાં એવું વચન જરૂર આપશે કે ‘હું જીતીશ તો સૌનાં પાણીના મીટરમાં રોજનું 300 ગેલન પાણી ફ્રી આપીશ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments