'બ્રહ્માસ્ત્ર' વર્સિસ 'ભ્રમ્માસ્ત્ર' !

વરસો પછી ‘બ્રહ્માસ્ત્ર’ નામની એક એવી ફિલ્મ આવી છે જે સારી છે કે નથી સારી એ તો છોડો, ચાલી રહી છે કે ફ્લોપ ગઈ છે ? એ બાબતે દેશમાં મોટા ભાગલા પડી ગયા છે !

*** 

સવારે સમાચાર આવે છે કે દિલ્હીમાં તો એટલી ડિમાન્ડ છે કે થિયેટરમાં સવારે ૬ વાગ્યાનો શો ચાલુ રાખવો પડે છે…
તો એ જ દિવસે સાંજે છ વાગે એવો વિડીયો આવે છે જુઓ, અહીં તો કાગડા ઊડે છે !

*** 

VFX વડે કાગડા તો ‘સમશેરા’માં ઉડતા હતા… (ફિલ્મમાં બોસ) એ કોઈ જોવા ના ગયું…
અને અહીં થિયેટરમાં કાગડા ઊડે છે એ VFX વિના બતાડે છે ! જુઓ…. જુઓ… એ ઊડે…

*** 

જોવા જેવી વાત એ છે કે અમુક ન્યુઝવાળા એવો દાવો કરે છે કે 400 કરોડમાં બનેલી ‘બ્રહ્માસ્ત્ર’ એ 40 કરોડમાં બનેલી ‘કાશ્મીર ફાઈલ્સ’નો… ‘સોમવાર’ના કલેક્શનનો રેકોર્ડ તોડીને… ‘જડબાતોડ’ જવાબ આપ્યો છે !

*** 

જોવાની વાત એ પણ છે કે જે લોકો આમેય કોઈ નવી ફિલ્મો જોવા જતા નથી એ લોકો ‘બ્રહ્માસ્ત્ર’નો વિરોધ કરે છે…
અને જે લોકો અવારનવાર નવી ફિલ્મો જોઈ નાંખે છે એ બિચારા એ જોવા જઈ રહ્યા છે કે યાર, આમાં ‘ના જોવા જેવું’ શું છે ?

*** 

એ પણ જોવા જેવું છે કે જે લોકો ‘બ્રહ્માસ્ત્ર’ શબ્દને ગુજરાતી, હિન્દી, કે સંસ્કૃતમાં સરખી રીતે લખીને તેનો પરફેક્ટ ઉચ્ચાર કરી શકે છે તેઓ એનો બહિષ્કાર કરે છે…
અને જે લોકોને ‘બ્રહ્માસ્ત્ર’નો સ્પેલિંગ ‘BHAMMASTRA’ નહીં પણ ‘BRAHMASTRA’ થાય છે એવી હમણાં હમણાં ખબર પડી છે એ લોકો જોવા જાય છે !

*** 

જે હોય તે, કરણ જોહરનું ‘બ્રહ્માસ્ત્ર’ છૂટી ગયું છે… અને એનાથી કશુંય રસાતાળ થવાનું નથી ! શાંતિ રાખજો…

***

- મન્નુ શેખચલ્લી

Comments