આજકાલ શ્રાધ્ધપક્ષ યાને કે ‘સરાદિયાં’ ચાલી રહ્યાં છે. આ પખવાડીયામાં આપણા સદ્ગત પિતૃઓને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલિ આપવાનો રીવાજ છે.
જોકે દેશના મહાનુભાવો બાબતે જરા મિક્સ મેથડ ચાલી રહી છે ! દાખલા તરીકે…
***
પંડીત જવાહરલાલ નહેરુ
એમને હવે માત્ર જન્મદિવસે યાદ કરવાનો રીવાજ જતો રહ્યો છે. હવે તો એમને બારેમાસ યાદ કરવામાં આવે છે ! આ સરાદિયામાં તો ખરેખર આપણને શંકા થાય કે એમના આત્માને ‘શાંતિ’ મળી હશે કે કેમ !
***
ગાંધીજી
આ મહાત્માના નામનું તો ગાંધીનગરમાં મંદિર બંધાવી લીધું છે, આપણે ! છતાં એમને યાદ કોણ કરે છે ? અરે, એમની ભૂલો શોધનારા નહીં પણ કરન્સી નોટો ઉપર એમના જે ફોટા છપાય છે એનો સંગ્રહ કરીને અમુક લોકો તો બેડરૂમમાં રાખે છે ! જેથી સપનામાં ય ગાંધીજીને શાંતિ આપી શકાય.
***
નેતાજી સુભાષચંદ્ર બોઝ
અમુક લોકો એમ માનતા હશે કે એમનું સરસ મજાનું પૂતળું નવા ‘કર્તવ્ય માર્ગ’ ઉપર ગોઠવીને રંગેચંગે ઉદ્ઘાટન કરી દીધું એટલે એમના આત્માને શાંતિ મળી જશે ? ના ભાઈ ના ! હજી તો એમના પૂતળાંનો ઉપયોગ કરીને આખા દેશના આત્માને ઢંઢોળવાનો છે ! એમ કંઈ મુક્તિ થોડી મળશે ?
***
સરદાર વલ્લભભાઈ પટેલ
વર્લ્ડ રેકોર્ડ ધરાવતું એમનું સ્ટેચ્યુ ઊભું કરી દીધા પછી આમ જુઓ તો સરદાર સાહેબના આત્માને જરૂર શાંતિ મળતી હશે કેમકે આટલી ઊંચાઈએ જઈને આજે કોઈ એમના ‘માથે’ ચડી બેસે એવી શક્યતા લગભગ બચી નથી !
***
રહી વાત ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ જેવા શહીદોની… તો એમનો સદુપયોગ શી રીતે કરવો એના માટે એક ‘થિન્ક ટેંક’ સતત કામે લાગેલી જ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment