તમે માર્ક કરજો... !

બસ તમારે તમારી આજુબાજુ ચાલી રહેલી ઘટનાઓને જરા ધ્યાનથી જોવાની જરૂર છે. એમાં તમે જો માર્ક કરશો તો તમને પોતાને હસવું આવ્યા વિના રહેશે નહીં…

*** 

તમે માર્ક કરજો…
ટીવીના કોમેડી શોમાં ઓડિયન્સ કરતાં જજ લોકો વધારે હસ્યા કરતા હોય છે !

*** 

તમે માર્ક કરજો…
ટીવીના રિયાલીટી શોમાં એકાદ જજ તો એવાં હશે જ કે જરીક અમથી વાતમાં ઇમોશનલ થઈને આંસુ પાડવા લાગશે !

*** 

તમે માર્ક કરજો…
IPL જેવી ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓ વાઘની જેમ ફરી વળે છે એ જ પ્લેયરો એશિયા કપ જેવી ટુર્નામેન્ટમાં સાવ મીંદડી બની જાય છે !

*** 

તમે માર્ક કરજો…
જ્યારે હિન્દી ફિલ્મોમાં હીરો લોગને જ્યારે કચકચાવીને ફાસ્ટ દોડવાનું આવે ત્યારે જ એ લોકો અચાનક ‘સ્લો મોશનમાં’ દોડવા લાગે છે !

*** 

તમે માર્ક કરજો…
આજકાલ કઈ ફિલ્મ ‘જોવા જેવી’ છે એ જાણવા કરતાં કઈ ફિલ્મ ‘બોયકોટ કરવા જેવી’ છે એ જાણવામાં લોકોને વધારે રસ છે !

*** 

તમે માર્ક કરજો…
‘ફલાણી ફિલ્મને 200 કરોડની કમાણી થઈ…’ એવા ન્યુઝ તો આવતા જ નથી ! ઉલ્ટું, ‘ફલાણી ફિલ્મને 200 કરોડની ખોટ ગઈ…’ એવું સાંભળીને લોકો રાજી રાજી થઈ જાય છે !

*** 

તમે માર્ક કરજો… 
જે પુલનું ઉદ્ઘાટન હાઈ-ફાઈ ટેકનોલોજી વડે ‘ઓનલાઈન’ પધ્ધતિથી કરવામાં આવે છે એ જ પુલનું ઉદ્ઘાટન આમ જનતા પાન મસાલાની પિચકારીઓ મારીને કરી નાંખે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments