મિચ્છામિ દુક્કડમનો અર્થ એવો થાય છે કે આપણે ‘જાણ્યે’ અથવા ‘અજાણ્યે’ કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો આ અવસરે માફી માગી લઈએ છીએ.
પરંતુ આપણી મોટી મોટી હસ્તિઓનું ‘જાણ્યે’ અને ‘અજાણ્યે’ જરા અલગ હોય છે !
***
ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધીની જે કચકચાવીને ટીકા કરી એ તો ‘જાણી જોઈને’ જ કરી હતી ને ?
પરંતુ છેલ્લા બે અઢી વરસથી એ મોદીજી તરફ અને ભાજપ તરફ જે રીતે ઢળી રહ્યા હતા એ તો બધું – ‘અજાણતાં’ જ થઈ રહ્યું હતું ! નહીં ?
***
EDએ પેલા તૃણુમુલ કોંગ્રેસના નેતા સુબ્રતો રોયની ઓળખીતીના ઘરમાં જે દરોડા પાડ્યા એ તો ‘જાણી જોઈને’ જ પાડ્યા હતા. રાઈટ ?
પણ એ મહિલાના ઘરમાં જે કરોડો રૂપિયાની કેશના ઢગલે ઢગલા સાવ આમ જ રેઢા પડ્યા હતા એ તો ‘અજાણતાં’ જ કોઈથી ત્યાં મુકાઈ ગયા હતા ! નહીં ?
***
દિલ્હી પાસે નોઈડામાં જે પેલા બે ગેરકાયદેસર ટાવરો હતા તે તો સરકારે ‘જાણી જોઈને’ તોડી પાડ્યા ! રાઈટ ?
પરંતુ બોસ, એ ટાવરોના પાયા ખોદાયા, બાંધકામ થયું, BU પરમિશન મળી ગઈ, લાઈટ-પાણી ગેસનાં કનેક્શનો મળી ગયાં અને વેચાણ પણ થવા લાગ્યું… આ બધું તો પેલા બિલ્ડર અને સરકારી અધિકારીઓના ‘અજાણતાં’ જ થઈ ગયું હતુ ને !
***
એમ તો જયપુરના પેલા હિન્દુ દરજીની હત્યા પેલા બે કટ્ટરવાદીઓએ ‘જાણી જોઈને’ જ કરી હતી ને ? (એમણે તો કબૂલાતનો વિડીયો પણ જાહેર કરેલો.)
પરંતુ એ હત્યાની પાછળ નુપુર શર્મા નામની એક મહિલાનું એક નિવેદન ‘જવાબદાર’ હોઈ શકે એવી ટિપ્પણી તો સુપ્રિમ કોર્ટે ‘અજાણતાં’ જ કરી હશે ને ?
***
બાકી, હજી જે લોકો પોતાના ખાતામાં 15-15 લાખ આવવાના છે એમ માનીને બેઠા છે…
એમણે હવે ‘અજાણતાં’ જ એવું માની બેઠા હતા, એમ માની લેવું પડશે ! ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment