મહાન લોકોનાં મહાન કન્ફ્યુઝનો !

અમે સાતમા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં જે કોઈ મહાન માણસોનો પરિચય થયો એમાં એક વાત મને પાક્કી સમજાઈ ગઈ હતી કે મરી ગયા સિવાય મહાન થઈ શકાતું નથી. (આજે મોદીજી જીવે છે છતાં મહાન ગણાય છે, એવું તે વખતે નહોતું.)

મહાન લોકો વિશેની મારી બીજી સમજ એ હતી કે આ તમામ મહાન લોકો બાળપણથી જ મહાન હતા ! એટલું જ નહીં, એમને પોતાને એવી પાકી ખબર પણ હતી કે પોતે મહાન થવા માટે જ સર્જાયા છે. આ મહાન લોકો કોઈ ભૂલ પણ નહોતા કરતા ! (ગાંધીજી સિવાય ! એમણે બાળપણમાં સોનાના કડામાંથી ચોરી કરેલી. જોકે એ તો એમણે આત્મકથામાં લખ્યું ત્યારે જ બધાને ખબર પડી ને ?)

આજે બિચારા ગાંધીજીનો વાતે વાતે વાંક કાઢવામાં આવે છે એના મૂળમાં કદાચ આ જ સાચું બોલવાની આદતની ભૂલ હશે. આજે વોટ્સએપ યુનિવર્સિટીનાં પાઠ્ય પુસ્તકો મુજબ તો ગાંધીજી કરતાં નથ્થુરામ ગોડસે મહાન હતા ! અને આઝાદી ગાંધીજીએ નહીં પણ સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા મહાન લોકોએ અપાવી હતી. આ તો સારું હતું કે એ મહાન લોકો એકબીજાને પણ મહાન ગણતા હશે એટલે આઝાદીના ‘કોપીરાઈટ’ માટે એમની વચ્ચે કોઈ ઝગડા ના થયા ! પણ આમાં આપણી તો વાટ લાગી ગઈ ને ?

આજે આપણને કહેવામાં આવે છે કે બોસ, તમને નિશાળોમાં જે ઇતિહાસ ભણાવેલો એ સાવ ખોટ્ટો હતો ! ચલો ઓકે… પણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો તો ‘મહાન શિક્ષક’ હતા ને ? એ વાત તો માનો છો ને ? તો મને એમ કહો કે જો એ આટલા બધા મહાન શિક્ષક હતા તો એમણે આપણી ટેકસ્ટ-બુકોમાં આવડી મોટી ધૂપ્પલો શા માટે ચાલવા દીધી ? હવે આજનો લોચો એ છે કે બોસ, આપણે એમને ‘મહાન શિક્ષક’ ગણવાના કે નહીં ગણવાના ? (આવું હું નહીં, સાતમા ધોરણમાં ભણતો એક બાબલો પૂછી રહ્યો છે.)

મહાન વિભૂતીઓ માટે બીજા પણ ઘણા લોચા છે. દાખલા તરીકે એક કમલા નહેરુ પંડિત હતાં. એમની એકમાત્ર મહાન વાત એવી ભણાવવામાં આવેલી કે એ મહાન જવાહરલાલ નહેરુના મહાન બહેન હતાં ! યાર, આ તો એવી જ વાત થઈ ને, કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના બહેન છે એટલે મહાન જ હોય ! એવાં જ એક સરોજીની નાયડુ હતાં.એ સરોજીની બહેનને ‘નાઇટિંગલ ઓફ ઇન્ડિયા’ કહેતા હતા ! અમને તો સાતમા ધોરણમાં પણ નહોતું સમજાતું, અને આજે પણ કન્ફ્યુઝન છે, કે એ બહેન એ પક્ષીની મિમિક્રી કરતાં હતાં ? કે એવું મીઠું મીઠું ગાતાં હતાં ? અને જો એ ગાતાં જ હતાં તો એમની કોઈ રેકોર્ડો કેમ બહાર ના પડી ? અને જો લતા મંગેશકર આટલું સારું ગાતાં હતાં, તે છતાં પાઠ્યપુસ્તકોમાં એ ‘મહાન’ કેમ ના ગણાયાં ? તે વખતે એ જીવતાં હતાં એટલે જ ને !’

ટુંકમાં મહાન થવા માટે મરી જવું જરૂરી હતું ! કદાચ એટલે જ સ્વામી વિવેકાનંદ નાની ઉંમરે ઉપર જતા રહ્યા હશે ? પરંતુ એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ તો બહુ લાંબુ જીવેલા ! યાર, આ ‘મહાન કન્ફ્યુઝન’ છે !

આવું જ કન્ફ્યુઝન અમને ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાન માટે થતું હતું. એક તો એ નહોતું સમજાતું કે આ અંકલ એમની સરનેમ બબ્બે વખત શા માટે લખાવતા હતા ? (આગળ પણ ‘ખાન’ અને પાછળ પણ ‘ખાન’ !) વળી ‘સરહદના ગાંધી’ હોવા સિવાય એમણે એવી તે શું ધાડ મારી હતી કે એની પાંચ માર્કની ટુંકનોંધ પૂછાતી હતી ? એ સરહદ ઉપર ના હોત અને આ બાજુ મહેમદાવાદ-નડિયાદ બાજુના હોત તો ?

એ જ રીતે જો અંગ્રેજો આટલા બધા જુલ્મી હતા તો ટેકસ્ટ-બુકોમાં લોર્ડ કર્ઝન, લોર્ડ વેસ્લી, લોર્ડ ફલાણા… એમ લખીને એમને આટલું બધું રિસ્પેક્ટ શું કામ આપતા હતા ? 

જોકે આજકાલ બધું સહેલું થઈ ગયું છે : જેના ટ્વિટર ઉપર સૌથી વધુ ફોલોઅર્સ હોય એ મહાન !

છતાં કન્ફ્યુઝન તો હજી ચાલુ જ છે… આ બધા રોડનાં નામ જે મહાન લોકોનાં નામે રાખ્યાં છે, શું એમણે રોડ-ટેક્સની શોધ કરેલી કે ? રોડમાં ખાડા શી રીતે પડે એની ? આપણે એમના નામના રોડ ઉપર ચાલીને એમનું સન્માન કરીએ છીએ કે અપમાન ? સાલું ‘મહાન’ કન્ફ્યુઝન છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments