વાઘ પકડવાની સાત રીત !

તમે એમ પૂછશો કે ભૈશાબ, વાઘ પકડીને આપણે શું કાંદા કાઢવા છે ? તો ભલા માણસ, હાસ્યના અમુક પ્રકારો એવા હોય છે કે એમાં આવા અક્કલવાળા સવાલો પૂછવાના ના હોય !

*** 

કરણ જોહર પધ્ધતિ
જંગલમાં જઈને શિફોનની રંગબિરંગી સાડીઓ પહેરાવીને વાઘણોને નચાવો. વાઘ જોવા આવે એટલે એને ‘સ્ટાર’ બનાવી દેવાની લાલચ આપીને પકડી લો.

*** 

એકતા કપૂર પધ્ધતિ
વાઘણોને ભેગી કરીને લાંબી લાંબી, રડારોડથી ભરેલી, વીસ વીસ વરસ ચાલે એટલી લાંબી વારતાઓ કહેવા માંડો… આના કારણે કંટાળેલો વાઘ એની વાઘણોને છોડીને ગામમાં ભેંસો ઉપર લાઈન મારવા આવશે ત્યારે એને પકડી લો.

*** 

એડવર્ટાઇઝિંગ પધ્ધતિ
પિંજરામાં આવીને બકરાંનો શિકાર કરવાથી 25 ટકા માંસ એકસ્ટ્રા મળશે એવી ઓફર આપો.

*** 

અમેરિકન CIA પધ્ધતિ
જંગલનો વાઘ સામૂહિક પ્રાણી-સંહારના શસ્ત્રોનો સંગ્રહ કરી રહ્યો છે એવા આરોપ મુકીને પછી આખું જંગલ જ સળગાવી મારો ! છતાં જો વાઘ બચીને ક્યાંક ભાગી છૂટે, ક્યાંક સંતાઈ જાય તો 20 વરસ પછી એ ઘરડો થઈ ગયો હોય ત્યારે એને ડ્રોન વિમાનથી છોડેલા મિસાઈલ વડે ફૂંકી મારો.

*** 

ED પધ્ધતિ
વાઘની ગુફાઓમાં રેઇડ પાડો. ગુફામાંથી પ્રાણીઓનાં હાડકાં, ચામડાં, શિંગડાં વગેરેનો જથ્થો પકડી પાડો. પછી એની દિવસો સુધી પૂછપરછ કર્યા કરો.

*** 

ભારતીય પોલીસ પધ્ધતિ
કોઈપણ ગધેડાને પકડીને તેને ડંડા મારીને કબૂલ કરાવો કે ‘હું જ વાઘ છું !’ કેસ ખતમ. ફાઈલ બંધ.

***

- મન્નુ શેખચલ્લી

Comments