જુની ફિલ્મોનું બનાવટી ઢીશૂમ.. ઢીશૂમ.. !

યાદ છે ? એ જમાનાની ફિલ્મોમાં ફાઇટિંગ આવે ત્યારે મુક્કો મારવાનો અવાજ રીતસર મોં વડે બોલતા હતો : ‘ઢીશ્શૂમ !’…

અમે નાના હતા ત્યારે ખરેખર એમ જ માનતા હતા કે મારામારી કરતી વખતે હિરોલોગ અને ગુંડાલોગ પોતે જ આવો અવાજ મોં વડે કાઢતા હશે ! અરે, એટલું જ નહીં, જ્યારે જ્યારે અમારી ટેણિયાટોળીમાં મારામારી ફાટી નીકળતી હતી ત્યારે અમે પણ મોં વડે ‘ઢીશૂમ ઢીશૂમ…’ એવું બોલીને ગુંબાવાળી કરતા હતા !

હા, એમાં એક બે વાર અમારા પોતાના ડાચા ઉપર સામેવાળાની મુઠ્ઠી વાગી ગઈ ત્યારે ‘ઢીશૂમ’ના બદલે ‘એં…’ નીકળી ગયું હતું ! એમાં વળી કોઈવાર બહુ જોરથી વાગ્યું હોય તો ‘એં…’ થી શરૂ થતું સૌ બાળકોમાં લોકપ્રિય એવું ગાયન વાગવા લાગતું હતું : ‘એંએં… એં… જો.. ને મમ્મી… આણે મને માર્યુંઉંઉં…!’

આજકાલનાં પિક્ચરોમાં ભલે મોં વડે ‘ઢીશૂમ’ ના બોલતા હોય પણ જે બીજા ખતરનાક અવાજ કરે છે એ કોઈપણ હિસાબે રીયલ તો નથી જ હોતા. તમે જસ્ટ વિચાર કરો, હિરો મારામારી કરતાં પહેલાં ખાલી પોતાનું મફલર ડાબેથી જમણે ફેરવે એમાં તો જાણે હવામાં 150 કિલોમીટરની ઝડપે તલવાર વીંઝાઈ હોય એવો સૂસવાટો સંભળાય છે ! યાર, ઘરનો પંખો ફૂલ સ્પીડમાં ચલાવો ત્યારે ય આવા સૂસવાટા નથી સંભળાતા તો હીરો આ સાઉન્ડ ઇફેક્ટ ક્યાંથી પેદા કરે છે ?

જુની ફિલ્મોમાં આવી સુસવાટા – ઇફેક્ટો નહોતી. ઉલ્ટું, ફાઇટિંગ હજી ચાલુ થાય ના થાય ત્યાં તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરશોરથી વાગવા લાગતું ! એક બાજુ ઢેંણેંન… ઢેંણેંન… ચાલે, બીજી બાજુ ફૂલ-સ્પીડમાં બોંગો ખખડતા હોય અને ત્રીજી બાજુ લગ્નનાં બેન્ડવાજાવાળાને જાણે આખા શરીરે ખંજવાળ ઉપડી હોય એવાં ઝનૂનો સાથે ઘોંઘાટ મચાવવા મંડ્યા હોય ! (આ બધામાં ઓડિયન્સને શૂર ચડે એટલે મંડે તાળીઓ અને સીટીઓ વગાડવા !) માં કસમ, આટલો મોટો દેકારો અમે કદી અમદાવાદમાં થતાં રમખાણો વખતે પણ નથી સાંભળ્યો !

જોકે જુની ફિલ્મોમાં ફાઇટિંગ છેલ્લે છેલ્લે જ આવતી. એ પણ માંડ આઠ-દસ મિનિટ માટે ! છતાં અમુક ફિલ્મ સ્ટારો એમની આખેઆખી કેરિયર દરમ્યાન આ દસ મિનિટની મારામારીમાંથી, પેલું કહે છે ને એમ ‘જળકમળવત્’ બહાર નીકળી ગયા. 

એમાં સૌથી પહેલું નામ રાજકપૂરનું આવે. વાચકોમાં જે કોઈ રાજકપૂરના આશિક હોય તે હાથ ઊંચો કરે… કે  ભૈ, કોઈ પિકચરમાં એમણે કોઈ ગુન્ડાને એક લાફો બી માર્યો છે? ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’માં તો એ પોણી ફિલ્મમાં ખૂંખાર ડાકુઓની વચ્ચે જ રહે છે, છતાં બોલો ફક્ત ગાયનો ગાઈને ડાકુઓને ઢીલા કરી નાંખ્યા ને ?

આવું જ કંઈક પ્રદીપકુમારનું હતું. એમને તો શૂટિંગ વખતે કદાચ ડીરેક્ટરે ઝડપથી ચાલવાનું કહ્યું હોય તો પણ ઘરે આવીને એ પરસેવો લૂછતાં કહેતા હશે : ‘અરે… થાકી ગયો બાપા ! આજે તો એકશન સીન કરવો પડ્યો !’ પેલા ભા.ભૂ. નામે જાણીતા ભારત ભૂષણનું પણ આવું જ હશે. એમને તો કવ્વાલીમાં તાળીઓ વગાડવામાં પણ જોર આવતું હતું ! 

હા, જોકે દિલીપકુમારને ભાગે જ્યારે પણ ફાઇટિંગ આવતી ત્યારે એ ‘કચ્ચી-કચ્ચીને’ મારતા હતા. બીજી બાજુ દેવઆનંદની આખી વાત જ અલગ હતી ! એ ભાઈ મારામારી વખતે પણ સ્ટાઇલમાંથી હાથ બહાર નહોતા કાઢતા ! એક તો ગરદન ત્રાંસી રાખે, ઉપરથી કમર ત્રાંસી હોય અને જે ફેંટ મારે એ પણ 45 ડીગ્રીના એંગલે ત્રાંસી જ હોય ! એ તો ઠીક, ફેંટ માર્યા પછી પોતાનું મફલર અથવા ટોપી બીજા હાથ વડે સરખુ તો કરવાનું જ !

રાજેશ ખન્ના ભલે એમના જમાનાનો સુપર સ્ટાર હોય પણ ફાઇટિંગના મામલે એમની આળસ રીતસર દેખાઈ આવતી હતી. બીજી બાજુ બચ્ચન સાહેબ શરૂશરૂમાં ભલે ખેંખલી જેવા લાગતા હતા પણ એમના ચહેરાનો ગુસ્સો જોઈને આપણને થતું કે ‘બોસ, આ માણસ ધારે તો દાઉદ ઈબ્રાહિમને પણ ખરેખર મારે, હોં !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments