નારદજી ભગવાન સામે હાથ જોડીને ઊભા હતા. ‘પ્રભુ ! ભારતવર્ષમાં ભ્રષ્ટાચાર તમારા કરતાં ય સર્વવ્યાપી બની ગયો છે !’
ભગવાને મંદ મંદ સ્મિત કર્યું. ‘નારદજી ! ભારતની આટલી બધી ચિંતા શા માટે કરો છો ?’
નારદજીએ ચિંતિત સૂરમાં કહ્યું ‘શું ભારતમાં આજે કોઈ 100 ટકા શુધ્ધ પ્રમાણિક વ્યક્તિ જ નહીં હોય ?’
‘હશે… જરૂર કોઈક તો હશે જ ને ?’
ભગવાને એક ખાસ યંત્ર નારદજીને આપતાં કહ્યું ‘આ યંત્ર લઈને પૃથ્વી પર જાઓ. તમને ઇન્સ્ટન્ટલી ઓનેસ્ટી ટેસ્ટ જોવા મળશે.’
નારદજી એ ‘ઓનેસ્ટી ટેસ્ટિંગ’ યંત્ર લઈને નીચે આવ્યા. એમણે ભર બજારે ઊભા રહીને ચેલેન્જ ફેંકી ‘છે કોઈ માઈનો લાલ? જે પોતાની જાતને 100 ટકા શુધ્ધ પ્રમાણિક માનતો હોય ? જો હોય તો આ યંત્ર સામે આવીને પોતાનો પરિચય આપે !’
એક માણસે આગળ આવીને કહ્યું ‘હું એક નેતા છું અને…’
પણ ‘નેતા’ શબ્દ સાંભળતાં જ યંત્રમાં લાલ-લાલ લાઈટો ઝબૂકવા માંડી !
નારદજી બોલ્યા ‘મહેરબાની કરીને સૌ નેતાઓ આઘા રહે !’
ત્યાં એક દાઢીધારી વ્યક્તિ આવીને કહેવા લાગ્યો. ‘હું એક ધાર્મિક સંપ્રદાયનો વડો છું અને -’
પણ ‘ધાર્મિક સંપ્રદાય’ શબ્દ આવતાં જ યંત્રની લાઈટો લબૂક-ઝબૂક થવા લાગી ! નારદજી બોલ્યા : ‘ધાર્મિક સંપ્રદાયોવાળા આઘા રહે !’
એ પછી એક સાદા પેન્ટ-શર્ટ પહેરેલો માણસ આવ્યો. એ બોલ્યો ‘હું EDનો કર્મચારી છું…’
લાઈટો ઝબકી જ નહીં ! સૌ દંગ થઈ ગયા !
આવું શી રીતે બન્યું ?
નારદજીએ પેલા ભાઈનો ખભો થાબડ્યો : ‘બોલ, બોલ ! ભગવાન પાસેથી તને શું અપાવું ?’
EDનો કર્મચારી ધીમેથી બોલ્યો : ‘મને કંઈ જોઈતું નથી. બસ, મારી આ પ્રમાણિક્તા પાછી લઈ લો… ભૈશાબ ! નજર સામે લાખો કરોડોની નોટોનાં બંડલો પડ્યાં હોય ત્યારે આ પ્રમાણિક્તા સાલી અંદરથી બહુ ડંખે છે !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment