સાચું બોલજો, તમારામાંથી કોણ એવું છે કે સ્કુલના દિવસોમાં જેના હાથ ફાઉન્ટન પેનની શાહી વડે ના રંગાયા હોય ?
અને કોણ એવું છે કે જે ઝડપથી ‘મોટા’ થઈ જવાની લ્હાયમાં પોતાના મોટાભાઈ કે પપ્પાની ફાઉન્ટન પેન વડે ચીતરામણ કરવા જતાં ‘રંગે હાથ’ પકડાયા ના હોય ?
અરે, અમારી સ્કુલના ડ્રેસમાં ભૂરી ચડ્ડી જ એટલા માટે હતી કે આપણી ભૂરી શાહીથી રંગાયેલી આંગળીઓને એની ઉપર લૂછી શકીએ !
એક તો એ જમાનામાં છેક સાતમું ધોરણ પુરું ના થાય ત્યાં લગી પેન વાપરવા મળતી નહોતી. ઠોચરાં જેવી પેન્સિલો છોલી છોલીને, દાબી દાબીને ઘરકામની નોટો ભરી ભરીને આંગળીઓ ઉપર ‘આંટણ’ પડી જતાં હતાં… એવામાં અચાનક આઠમા ધોરણમાં પપ્પા વાપરતા હોય એવી ફાઉન્ટન પેન વાપરવા મળે ત્યારે એવા ઘેલા થઈ જતા હતા કે ‘કચ્ચીને’ દબાવીને લખવા જતાં પેનની નીબ જ વળી જતી હતી !
સાલું, ફાઉન્ટન પેનમાં શાહી ભરવી પણ એક વૈજ્ઞાનિક પ્રયોગથી ઓછું નહોતું ! પેલી શાહીના ખડિયામાંથી ટોટી વડે શાહી અંદર ખેંચવાની… પછી વ્યવસ્થિત રીતે એક હાથમાં પેનનો પોલો ભાગ પકડીને અંદર શાહી ભરવી… એટલું જ નહીં એની ઉપર પેલી નીબવાળા ભાગને ગોઠવીને આંટા ચડાવવા… આ બધું કરવામાં સ્હેજપણ શાહી ફેલાય કે ઉભરાય નહીં… એટલું કામ મને તો મહાભારતનો અર્જુન મત્સ્યવેધ કરતો હોય એના કરતાંય અઘરું લાગતું હતું !
આટલી બધી કાળજી કરીને ભરેલી સાલી ફાઉન્ટન પેન, અમારા ખિસ્સામાં એની મેળે જ ઉભરાઈ જતી ત્યારે જ અમને ભાન થતું કે સાલું, આનું નામ ‘ફાઉન્ટન’ (ફૂવારો) પેન શા માટે રાખ્યું છે ? ના ના, સાચું બોલજો, ખિસ્સામાં સાવ ઊભી રાખેલી પેનમાંથી જે શાહી સ્વયંભૂ રીતે ઉભરાતી હતી તે વિજ્ઞાનના કયા નિયમ મુજબ ‘ઉર્ધ્વગમન’ કરતી હતી ?
જોકે ‘કેષાકર્ષણ’નો નિયમ અમે બે રીતે લાગુ કરતા હતા. એક તો જ્યારે જ્યારે પેન દદડવા માંડે ત્યારે અમારા ‘કેશમાં’ લૂછીને કોઈને ના દેખાય તેવી ‘ડાઈ’ કરી લેતા હતા. બીજો વૈજ્ઞાનિક પ્રયોગ એવો હતો કે આગળની બેન્ચવાળો છોકરો આપણી બેન્ચને અઢેલીને બેસે ત્યારે પેનનું ઢાંકણું ખોલીને તેના શર્ટને પેનની નીબ અડે એ રીતે ગોઠવી દેવાની !
જોકે એમાં પકડાઈ જઈએ તો માસ્તર એમના હાથ વડે અમારા વાળને ચીમટો દઈને ખેંચવાનો જે વૈજ્ઞાનિક પ્રયોગ કરતા.. એ ત્રીજા પ્રકારનું ‘કેષાકર્ષણ’ હતું !
આ ફાઉન્ટન પેનની નીબ અમને બહુ ભેદી લાગતી હતી. એ ધાતુની નીબ નીચે જે પ્લાસ્ટિકની ડટ્ટી આવતી હતી તેની ઉપરના ભાગે જે સીધી લીટીનો ખાંચો હતો એ તો જાણે સમજ્યા કે, શાહી માટેની ‘ગટરલાઈન’ હતી પણ યાર, નીચેના ભાગે જે ખાંચા-પડેલા આવતા, તે શેના માટે હતા ? ઉપરની ગટરલાઈન ઉભરાય તો લીકેજને સંઘરી રાખવા માટેની ખારી-કટ કેનાલો હતી ?
બગડી ગયેલી નીબને ચાલુ કરી આપનારા એક્સ્પર્ટ મિકેનિકો પણ ક્લાસમાં જ મળી રહેતા હતા. અમુક જણકાર અને સફાઈદાર મિકેનિકો નીબની તિરાડમાં પાતળી બ્લેડ ફેરવીને ‘ગટર’ સાફ કરી શકતા હતા. તો બીજા રાક્ષસી મજબૂતાઈથી કામ લેનારા મિકેનિકો દાંત વડે નીબને ખેંચીને બહાર કાઢી શકતા હતા ! આવા મિકેનિકોના દાંત અને હોઠ ભૂરા રંગના લોહીથી ખરડાયેલા જોઈને અમને રાતના બિહામણાં સપનાં પણ આવી જતાં હતાં !
અચ્છા સ્કુલ-ડ્રેસના શર્ટમાં ખિસ્સું શા માટે હોય છે તે સાતમા ધોરણ સુધી અમને સમજાયું નહોતું (કેમકે શીંગચણા તો ચડ્ડીના ખિસ્સામાં ભરતા હતા) પરંતુ આઠમામાં આવ્યા પછી ખબર પડી કે શર્ટનું ખિસ્સું ફાઉન્ટન પેનનું ‘નાક-લૂછણિયું’ હોય છે !
એ ફાઉન્ટન પેનને કપાળે અડાડીને અમે ‘વિદ્યાના સોગંદ’ ખાતા હતા અને એ જ ફાઉન્ટન પેનને તલવારની માફક વીંઝીને અમે નિશાળમાં ‘પ્રિ-ધૂળેટી’ ઉજવતા હતા ! કદાચ એટલે જ ‘કલમની તાકાત તલવારથી ઓછી નથી’ એવું કહેવામાં આવતું હશે.
અને હા, મોડર્ન આર્ટના નમૂના સરખું એવું શર્ટ લઈને અમે ઘેર આવતા ત્યારે અમારી મમ્મીઓ એમ કદી નહોતી કહેતી કે ‘દાગ અચ્છે હૈં!’ પહેલાં અમારી ધૂલાઈ થતી હતી, પછી જ શર્ટની.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment