બાળવાર્તાઓમાં સાજિશ ? જુઓ પર્દાફાશ !!

આજકાલ સોશિયલ મિડીયા વડે જ આપણને ખબર પડી છે કે અલ્યા, આપણને નિશાળમાં જે ઇતિહાસ ભણાવ્યો હતો એ તો સાવ ખોટ્ટો હતો ! પરંતુ એ તો કંઈ નથી, આગળ જતાં આ પ્રાયવેટ ન્યુઝ ચેનલો જુની બાળવાર્તાઓમાં પણ જોરદાર ‘ખુલાસા’ લઈ આવે તો ?

*** 

કાચબાઓનું કાવતરું… સસલાંનો પર્દાફાશ !

વરસો પહેલાં થયેલી કાચબા અને સસલાની રેસમાં સસલું હારી શી રીતે ગયું હતું ? એના ‘બ્રેકિંગ ન્યુઝ’ આવશે…
‘કિસ ને છિડકી થી ઘાસ કે ઉપર નીંદ કી દવાઈ ?’ 

એમાં આગળ સનસનાટીભર્યો ખુલાસો થશે કે સસલાને હરાવવા પાછળ એક આંતરરાષ્ટ્રિય લોબીનું મોટું ષડયંત્ર હતું ! સસલું તો રેસમાં ક્યાંય આગળ નીકળી ગયું હતું પણ એને કુણું કુણું ઘાસ ખાવાની લાલચ કેમ જાગી ?

કારણકે ઘાસ ઉપર એક ખાસ જાતનું કેમિકલ છાંટવામાં આવ્યું હતું ! આની ખાસ સુગંધથી સસલું લલચાઈ ગયું ! પરંતુ જુઓ એ લોબીની ચાલાકી ! ઘાસ ખાતાં જ સસલાને ઊંઘ ચડી ગઈ !

‘આપ કો લગતા હોગા કિ કોઈ ઐસા ક્યું કરેગા ? મગર વહીં સે એક ‘નેરેટિવ’ બનાને કી શુરુઆત હુઈ ! યહ હમારી પુરી પીઢી કો ઢીલી, સુસ્ત ઔર નામર્દ બનાને કી સાજિશ થી !’… પેલી લોબીનું આખું ‘નેરેટિવ’ એ હતું કે ભારતનાં બાળકોનાં દિમાગ નાનપણથી જ ‘બ્રેઈન-વોશ’ કરી દેવામાં આવે કે ‘ધીમા પડો, કોઈ ઉતાવળ નથી.. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ..’

આમાં ને આમાં દેશની પ્રગતિ અટકી ગઈ ! લોકો કાચબાની જેમ ધીમા અને ‘સહિષ્ણુ’ બની ગયા ! બીજી બાજુ વિદેશી લોકો સસલાંની ગતિએ આગળ વધતા જ ગયા ! આપણે ડોબા કાચબા જેવા જ રહી ગયા ! 

યાદ કરો… જ્યારે આ વાર્તા પાઠ્ય-પુસ્તકોમાં ઘૂસાડવામાં આવી ત્યારે દેશમાં કોનું રાજ હતું ?

- હવે સમજ્યા ?

*** 

વાઘને કોણે બોલાવ્યો… ગોવાળિયાની સાજિશ

‘વાઘ આવ્યો રે વાઘ…’ એ વારતા યાદ છે ને ? એ વારતાનું ‘ડીપ સોશિયો પોલિટિકલ’ એનાલિસિસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુપ્રીમ પેનલનું ગઠન કરવામાં આવ્યું હતું ! આમાં દેશના અતિશય બુધ્ધિમાન અને સંવેદનશીલ મહાનુભાવોને રાખવામાં આવ્યા હતા. આ રહ્યો એમનો ‘સ્ફોટક’ રીપોર્ટ…

પેનલના કહેવા મુજબ આખી ઘટનામાં વાઘનો કોઈ વાંક જ નહોતો. વાઘ મૂળતઃ એક શાંતિપ્રિય પ્રાણી છે. તે તો ગામથી દૂર, છેક પહાડોની પેલે પારના જંગલમાં રહેતો હતો. તેનો આ ગામનાં પ્રાણીઓ ઉપર હુમલો કરવાનો કે તેમને ફાડી ખાવાનો કોઈ વિચાર સુધ્ધાં નહોતો. 

પરંતુ આ ગામનો એક હિંસક વિચારધારા ધરાવનારો ગોવાળિયો સતત વાઘની ઉશ્કેરણી કરતો હતો કે ‘વાઘ આવ્યો રે વાઘ… વાઘ આવ્યો રે વાઘ…’

આવી સેંકડો ઉશ્કેરણીઓ છતાં વાઘ શાંત હતો પરંતુ ગોવાળિયાએ વાઘની બદનામી (યાને કે નિંદા) ચાલુ રાખતાં વાઘ એકાદ વાર ઉશ્કેરાઈ ગયો હતો. જેમાં ભૂલથી તેના દ્વારા ગામના પશુઓ ઉપર જાનલેવા હૂમલો થઈ ગયો હતો !

- બોલો, આ રીપોર્ટ વાંચ્યા પછી તમે પણ વિચારતા થઈ ગયા ને, કે આ ‘વાઘ આવ્યો રે વાઘ…’ની બૂમરાણ સાવ ખોટ્ટી જ છે ?!

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment