ધારો કે... શું શું ના થાય !

આજકાલ મોટિવેશન સ્પીકરો આપણને ખાલીખોટો પાનો ચડાવે રાખે છે કે ‘માણસ ધારે તો શું ના કરી શકે?’
અરે ભાઈ, ઘણું બધું ના કરી શકે ! દાખલા તરીકે…

*** 

ધારો કે…
તમારે બસના કન્ડક્ટરને 500ની નોટ આપીને 9 રૂપિયાની ટિકીટ કપાવવી છે !

*** 

ધારો કે…
તમારે ભારતમાં વધી રહેલા ભ્રષ્ટાચારનો પરમેનેન્ટ ઇલાજ શોધી કાઢવો છે !

*** 

અઘરું છે ? અચ્છા ધારો કે…
તમારે તમારી બોચીની નીચે બરોબર 10.5 ઇંચના અંતરે બેઠેલા એક મચ્છરને તમારી હથળી વડે મારીને ખતમ કરી નાંખવું છે !

*** 

જોયું, આમાં મોટિવેશન કામ ના આવે ! ચલો, ધારો કે…
તમારે દાઉદ ઇબ્રાહિમનો કાન પકડીને એને એક થપ્પડ મારી દેવી છે !

*** 

એ છોડો, ધારો કે…
રાહુલ ગાંધી દરેક બાબતમાં શું વિચારે છે અને હવે શું બોલશે… એ જાણવું છે !

*** 

એમ તો, ધારો કે…
તમારે તુષાર કપૂર પાસે એક્ટિંગ શીખવી છે !

*** 

સિમ્પલ ચીજો, ધારો કે…
તમારે સ્ટેન્ડ અપ કોમેડીના વિડીયો જોતાં જોતાં જ્યાં ત્યાં હસવાના અવાજો સંભળાય ત્યાં તમારે પણ ખડખડાટ હસવું છે !

*** 

ધારો કે…
તમારે ‘આધુનિક’ ગુજરાતી સાહિત્યના ‘વિવેચન’નું પુસ્તક એકી બેઠકે વાંચીને પુરું કરવું છે… અને માથાના દુઃખાવાની કોઈ ગોળી પણ નથી લેવી !

*** 

અને હા, ધારો કે…
તમારે આવું બધું વાંચીને હસવું પણ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments