અમુક વાર એવા સમાચારો ભેગા થઈ જાય છે કે એમાં વઘાર કરવાનું મન થઈ જ જાય છે ! જેમકે…
***
સમાચાર
અમેરિકાએ ડ્રોન હૂમલા વડે અલ-કાયદાના વડા જવાહિરીને મારી નાંખ્યો.
વઘાર
એ જવાહિરી આમે ય ડોસો થઈ ગયો હતો ! આ તો જવાહિરીના ડેપ્યુટીનું કામ અમેરિકાએ મફતમાં કરી આપ્યું !
***
સમાચાર
છેલ્લા 5 વરસમાં બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી છે.
વઘાર
એ હિસાબે બિચારા લોન ડિફોલ્ટરો ખેડૂતો કરતાં પણ વધારે દયાને પાત્ર કહેવાય ને !
***
સમાચાર
ગુજરાતમાં કોમર્શિયલ ગરબા ઉપર 18 ટકા GST લાગ્યો તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસીઓએ ગરબા ગાયા.
વઘાર
કોંગ્રેસીઓને એ સિવાય બીજું આવડે છે શું ? અત્યાર સુધી સોનિયાજી અને રાહુલજીની આજુબાજુ ગરબા ગાતા હતા, હવે GSTની આજુબાજુ ગાશે !
***
સમાચાર
નિર્મલા સીતારામન કહે છે કે દેશમાં એટલી બધી મોંઘવારી છે જ નહીં.
વઘાર
અમુક ઉંમર પછી દરેક નેતાએ મોતિયા માટે ચેક-અપ કરાવી લેવું જોઈએ.
***
સમાચાર
બંગાળના પાર્થ મુખર્જીની સાથી અર્પિતા, જેના ઘરમાંથી કરોડોની કેશ મળી છે, તેની મમ્મી સાવ ગરીબ હાલતમાં જીવે છે.
વઘાર
જોયું ? દિકરીને સરખા પોકેટમની ના આપો તો એ આ રીતે બદલો લેતી હોય છે !
***
સમાચાર
‘રાડો’ નામની ગુજરાતી ફિલ્મ આવી છે.
વઘાર
રાડો તો ઘરવાળી રોજ પાડે છે પણ એ ફિલ્મમાં ‘રોલેક્સ’ બતાડે છે ખરા ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment